તાજા સમાચારદેશ

કોરોના વાયરસની અસર, અંતિમ ક્ષણે RSS એ રદ કરી વાર્ષિક બેઠક

વિશ્વના આન્ય દેશોની જેમ ભારત પર પણ કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે. કોરોના વાયરસના ભયને ધ્યાનમાં રાખીને લોકોને એકઠા ન થવા પણ સલાહ આપવામાં આવી રહી છે. દરમિયાન, કોરોનાની અસરોને ધ્યાનમાં રાખીને ઘણા મહત્વપૂર્ણ કાર્યક્રમો પણ રદ કરવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં આરએસએસએ હાલના સમય માટે બેંગલુરુમાં યોજાનારી વાર્ષિક પ્રતિનિધિ સભાને સ્થગિત કરી દીધી છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) નું વાર્ષિક પ્રતિનિધિ કારોના વાયરસને કારણે સ્થગિત કરવામાં આવ્યું છે. આ બેઠક 15 માર્ચથી 17 માર્ચ સુધી યોજાવાની હતી. આરએસએસની આ બેઠકમાં લગભગ 1450 પ્રતિનિધિઓ ભાગ લેવાના હતા. આ સભામાં સંઘના વડા મોહન ભાગવત, ભૈયાજી જોશી, કૃષ્ણ ગોપાલ અને અન્ય 5 સરકાર્યવાહ પણ હાજર રહેવાના હતા.

સંઘની આ બેઠકમાં દેશભરના સંઘના તમામ મુખ્ય અધિકારીઓ ભાગ લેવાના હતા. ત્યારે મળતી માહિતી મુજબ, આ બેઠકની આગામી તારીખનો નિર્ણય માર્ચ મહિનાના અંતમાં લેવામાં આવશે. આ બેઠકમાં ભાગ લેવા ભાજપના ઘણા નેતાઓ પણ બેંગ્લોર પહોંચ્યા હતા. સાથે જ ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા, ભાજપ મહામંત્રી રામમાધવ અને ભાજપના સંગઠન પ્રધાન બી.એલ. સંતોષ બેંગ્લોર પહોંચ્યા હતા.