ગુજરાત

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનો જંગ, કોંગ્રેસના બે ઉમેદવારો સામે ભાજપનું પાટીદાર કાર્ડ, ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનની પસંદગી

આ વખતે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી રસાકસીભરી બની રહેશે. ભાજપ તરફથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાની ઉમેદવાર તરીકે જાહેરાત કર્યા બાદ નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. નોંધનીય છેકે કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાને ઉતારતા ભાજપે તેમની સામે પાટીદાર ધારાસભ્યોને આકર્ષવા નરહરિ અમીનને મેદાને ઉતાર્યા છે.

ભાજપના ખૂબ મોટા ગજાના નેતાઓ પણ સાવ સંકોચ રાખ્યા વગર કહી રહ્યા હતા કે ગુજરાતમાંથી રાજ્યસભાની ચાર બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં ભાજપ ત્રણ ઉમેદવારને મેદાને ઉતારશે. આ માટે જોઇતી તમામ તૈયારી થઇ ગઇ હોવાનો વિશ્વાસ આમાં દેખાઇ રહ્યો છે. બુધવારે મોડી સાંજે જ મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક યોજાઇ હતી અને તેમાં કયા નેતાને મેદાને ઉતારવા તેનો વ્યૂહ ઘડાઇ ચૂક્યો હતો. આખરે નરહરિ અમીન પર પસંદગી ઉતારી હતી.