ગુજરાત

ગુજરાતમાંથી રાજ્યસભાની ત્રણેય બેઠકો જીતવા ભાજપ પાસે પુરતું સંખ્યાબળ છે – સીએમ રૂપાણી

66views

રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના ત્રણ અને કોંગ્રેસમાંથી બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ભાજપમાંથી અભય ભારદ્વાજ, રમીલાબહેન બારા અને નરહરિ અમીને ફોર્મ ભર્યુ છે જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ ફોર્મ ભર્યુ છે. ભાજપના ત્રણેય સભ્યોએ ફોર્મ ભરતા પહેલા ગાંધીનગરમાં  પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ત્રણેય ઉમેદવારોનું જોરદાર સ્વાગત કરાયુ ત્યાર બાદ તેઓ ફોર્મ ભરવા રવાના થયા હતા. ફોર્મ ભરતા સમયે સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

ફોર્મ ભર્યા બાદ વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભાજપમાંથી ત્રણેય ઉમેદવારો રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. તેમજ ઉમેદવારોને સમર્થન માટે જરૂરી ધારાસભ્યોનું સંખ્યાબળ ભાજપ પાસે હોવાનુ તેમણે જણાવ્યું છે. ત્રણેય ઉમેદવારો વિવિધ સમાજનું નેતૃત્વ કરનારા અને પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ છે.  કોંગ્રેસ પર પ્રહાર કરતા સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે કોંગ્રેસને આશંકા છે અને એના સભ્યોમાં શંકા કુશંકા દેખાય છે એટલે જ સભ્યોને અલગ અલગ જગ્યાએ લઈ જવા પડે છે.