દેશ

કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા જ્યોતિરાદિત્ય સિંધિયા, કહ્યું મોદીજીના હાથમાં દેશ સુરક્ષિત

હોળીના દિવસે કોંગ્રેસ સાથ છોડો ફાડનાર જ્યોતિરાદિત્ય સિંધિયા દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાઇ ગયા છે. પાર્ટી પ્રમુખ જેપી નડ્ડાએ જ્યોતિરાદિત્ય સિંધિયાને  ભાજપની સભ્યતા આપતી વખતે કહ્યું કે રાજમાતા સિંધિયાજીએ ભારતીય સંઘ અને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને વિસ્તાર કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આજે તેમના પૌત્ર પાર્ટીમાં આવ્યાં છે.

ભાજપમાં સામેલ થયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો.  તેમણે કહ્યું કે મારા જીવનમાં બે તારીખો ઘણી મહત્વની છે જેમાં એક છે 30 સપ્ટેમ્બર 2001 જ્યારે મે મારા પિતાને ગુમાવ્યા, તેણે મારુ જીવન બદલી નાખ્યું. બીજી તારીખ 10 માર્ચ 2020 છે જ્યારે મે જીવનનો મોટો નિર્ણય લીધો.

સિંધિયાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પહેલા હતી તે હવે નથી રહી, તેના ત્રણ મુદ્દા મહત્વના છે. પહેલો વાસ્તવિકતાથી ઇન્કાર કરવો, નવી વિચારધારા અને નેતૃત્વને માન્યતા આપવી નહીં. 2018માં મધ્ય પ્રદેશમાં સરકાર બની તો એક સપનું હતું, પરંતુ તે વેરવિખેર થઇ ગયું છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સરકારે પોતાના વચનો પાળ્યા નથી. તેમણે એમ પણ કહ્યું કે કમલનાથ ભ્રષ્ટ છે, કોંગ્રેસ જડ છે અને મોદીજીના હાથમાં દેશ સુરક્ષિત છે.