દેશ

‘આઝાદ કાશ્મીર’ ક્યાં છે ? મધ્યપ્રદેશ બોર્ડની પરીક્ષામાં પૂછાયો ભારત વિરોધી સવાલ

મધ્યપ્રદેશમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં એવો સવાલ પૂછાયો કે જે પાકિસ્તાનની વિચારધારાને સમર્થન કરે છે. પરીક્ષામાં ‘આઝાદ કાશ્મીર’ને લઈને સવાલ પુછાયો. ‘આઝાદ કાશ્મીર’ શબ્દનો અર્થ એ થાય છે કે કાશ્મીરના જે હિસ્સા પર પાકિસ્તાને કબ્જો જમાવી રાખ્યો છે. પાકિસ્તાન ‘આઝાદ કાશ્મીર’નો શબ્દ પ્રયોગ ‘પાકિસ્તાન અધિકૃત કાશ્મીર’ અથવા તો ‘પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર’ માટે કરે છે. પાકિસ્તાન દ્વારા કબ્જે કરાયેલા વિસ્તારને આઝાદ કહીને મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારે ભારત વિરોધી માનસિક્તા દર્શાવી છે.

 

મધ્યપ્રદેશમાં ભાજપે આ મામલે સવાલ ઉઠાવ્યો છે.  મધ્યપ્રદેશ શિક્ષણ બોર્ડની સામાજિક વિજ્ઞાનની પરીક્ષાના પેપરમાં જોડકણા જોડોના સવાલમાં એક વિકલ્પ ‘આઝાદ કાશ્મીર’નો અપાયો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 26માં પણ એ દર્શાવાયુ કે નકશામાં ‘આઝાદ કાશ્મીર’ ક્યાં છે. આવા સવાલોથી મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર ફરી એક વખત વિવાદોમાં આવી છે.

ભાજપે કહ્યુ કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે એવામાં આવા સવાલો પૂછાય એમા કોઈ આશ્ચર્યની વાત નથી. ભાજપે કહ્યુ કે કોંગ્રેસ તો આમેય પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે અલગતાવાદી આંદોલનને સમર્થન કરતી રહી છે. મધ્યપ્રદેશ ભાજપે આ સવાલની નિંદા કરતા કહ્યુ કે અત્યાર સુધી શિક્ષણ બોર્ડ અથવા તો મધ્યપ્રદેશ શિક્ષણ વિભાગ તરફથી કોઈ જવાબ કે સ્પષ્ટીકરણ આવ્યું નથી. સમગ્ર પેપરમાં બે વખત આપત્તિજનક સવાલ પૂછાયો અને બન્ને વખતે ‘આઝાદ કાશ્મીર’ શબ્દનો પ્રયોગ કરાયો.

સોશિયલ મીડિયામાં આ મામલો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે ત્યારે લોકોએ ટ્વીટ કરીને લખ્યું કે મધ્યપ્રદેશમાં 15 વર્ષ ભાજપની સરકાર હતી પરંતુ એક પણ વખત પ્રશ્ન પત્રમાં આવો સવાલ ક્યારેય આવ્યો નથી. કોંગ્રેસની સરકાર આવતા જ આઝાદ કાશ્મીરના સવાલો આવવા લાગ્યા એ ચિંતાજનક કહેવાય.