તાજા સમાચારદેશ

રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા હોળી બાદ ભાજપની નવી રાષ્ટ્રીય ટીમની કરી શકે છે ઘોષણા

જે.પી.નડ્ડા 20 જાન્યુઆરી 2020 માં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. સામાન્ય રીતે દરેક રાષ્ટ્રીય અધ્યક્ષ નવી રાષ્ટ્રીય ટીમની રચના કરતા હોય છે અને નવી રાષ્ટ્રીય ટીમમાં પહેલાથી હાજર રહેલા સભ્યોની જવાબદારીઓ બદલવામાં આવે છે તો કેટલાક નવા ચહેરાઓને પણ તક આપવામાં આવે છે. ત્યારે હોળી બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ભાજપની નવી રાષ્ટ્રીય ટીમની ઘોષણા કરી શકે છે.

મળતી માહિતી મુજબ, નડ્ડાની ટીમમાં નવા ચહેરાઓને તેમાં તક મળશે અને 10 માર્ચે હોળી પસાર થયા બાદ નડ્ડા રાષ્ટ્રીય ટીમની ઘોષણા કરી શકે છે. ખરેખર, ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં નવી ટીમની રચના થઇ જવાની સંભાવનાઓ હતી. પરંતુ જે.પી.નડ્ડાના પુત્રના લગ્ન સમારોહ અને બીજી સામાજીક પ્રસંગોના કારણે નવી ટીમની રચના થઈ શકી નથી.

આગામી સમયમાં બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત અને હિમાચલ પ્રદેશ સહિત સાતથી નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. આવી સ્થિતિમાં કહેવામાં આવી રહ્યું છે કે, નવી રાજકીય વ્યૂહરચના રૂપે નડ્ડા આ રાજ્યોના કેટલાક નવા ચહેરાઓને રાષ્ટ્રીય ટીમમાં તક આપી શકે છે.