દેશ

નિર્ભયા ગૈંગરેપના ચારેય દોષિતોને 20 માર્ચે સવારે 5.30 કલાકે ફાંસી અપાશે, નવું ડેથ વોરન્ટ જાહેર

  • નિર્ભયાના દોષિતોનું ડેથ વોરન્ટ જાહેર
  • 20 માર્ચ સવારે 5.30 કલાકે ફાંસી
  • દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટનો આદેશ
  • ચારેય દોષિતો પાસે તમામ કાયદાકીય વિકલ્પો પૂરા

કાયદાકીય વિકલ્પોનો કારણે બે મહિના સુધી ફાંસીથી બચતા નિર્ભયા કેસના ચારેય દોષિતોના દરેક કાયદાકીય વિકલ્પો હવે પૂરા થઈ ગયા છે. દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપના ચારેય દોષિતો માટે નવું ડેથ વોરન્ટ જાહેર કર્યુ છે. હવે 20 માર્ચે સવારે 5.30 વાગ્યે ચારેયને ફાંસી પર લટકાવી દેવાશે. નવા ડેથ વોરન્ટને લઈને પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. દોષિતો તરફથી વકિલ એ. પી. સિંહે દલીલ કરીને ગુરુવારે થનારી સુનાવણી સંદર્ભે તિહાડ જેલ પ્રશાસને કોઈ નોટિસ આપી નથી તો આ તરફ તિહાડ જેલ પ્રશાસન તરફથી વકીલે કોર્ટમાં જણાવ્યું કે 4 માર્ચે જ દોષિતના વકીલને ઈ-મેલથી જાણ કરાઈ હતી.

આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે દોષિત પવન ગુપ્તાની અરજી પણ ફગાવી દીધી હતી ત્યાર પછી દિલ્હી સરકારે નવુ ડેથ વોરન્ટ જાહેર કરવા પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરી. જેની પર સુનાવણી બાદ કોર્ટે 20 માર્ચ સવારે 5.30 કલાકનું ડેથ વોરન્ટ જાહેર કર્યુ છે. નિર્ભયાની માતાએ આશા વ્યક્ત કરી છે કે હવે દોષિતોની ફાંસી પાછી નહીં ઠેલાય. અલબત્ત આ પહેલા ચારેય દોષિતો વિરુદ્ધ ચાર ડેથ વોરન્ટ જાહેર થયા હતા.