દેશ

કેન્દ્રીય કેબિનેટના મહત્વના નિર્ણયો, દેશની 10 બેન્કોનું વિલિનિકરણ, કંપની કાયદા 2013માં સુધારો અને એર ઈન્ડિયામાં એફડીઆઈને મંજૂરી

81views

બુધવારે કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. મંત્રીમંડળે સરકારી ક્ષેત્રની બેંકો (પીએસબી)નાં મોટા પાયે વિલિનીકરણને મંજૂરી આપી છે  જે 1.4.2020થી અમલી બનશે. આ વિલિનીકરણથી આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મકતા અને વ્યાવસાયિક સંકલન ધરાવતી ડિજિટલ ટેકનોલોજી સંચાલિત બેંકો ઊભી થશે. સરકારી ક્ષેત્રની 10 બેંકો ચાર બેંકોમાં વિલિન થશે. જેમાં પંજાબ નેશનલ બેંકમાં ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાનું વિલિનીકરણ, કેનેરા બેંકમાં સિન્ડિકેટ બેંકનું, યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકમાં અને ઇન્ડિયન બેંકમાં અલ્હાબાદ બેંકનું વિલિનીકરણ થશે.

દેશની 10 બેન્કોનું વિલીનિકરણ

આ વિલીનીકરણથી દેશમાં સાત મોટી બેન્કો ઉભી થશે જેનો કુલ વ્યવસાય આઠ લાખ કરોડ રૂપિયા છે અને તેની બ્રાન્ચો દેશના ખૂણે ખૂણે સુધી ફેલાયેલી છે. વિલિન થયેલી બેંકોમાં ટેકનોલોજીનો સ્વીકાર થવાથી મોટા પાયે પ્રતિભાસંપન્ન કર્મચારીઓનો લાભ એકબીજાને મળશે અને એમનો ડેટાબેઝ એકબીજાને વહેંચવા મળશે. જેથી સરકારી બેંકો ઝડપથી ડિજિટલાઇઝેશનનાં માર્ગે અગ્રેસર બેંકિંગ સિસ્ટમમાં એનાલીટિક્સનો ઉપયોગ કરી શકશે.

કંપની કાયદો 2013માં સુધારો

આ ઉપરાંત કેબિનેટે કંપની કાયદા 2013માં સુધારો લાવવા કંપની (બીજો સુધારો) વિધેયક 2019ને મંજૂરી આપી છે. આ વિધેયક અંતર્ગત નાદારીના એવા કેસો કે જેને હેતુપૂર્વક નિર્ધારિત કરી શકાય, જે અન્યથા છેતરપિંડીના ઇરાદાથી નથી અથવા મોટાપાયે જાહેરહિતમાં સંડોવાયેલ નથી તેની ગુનાખોરી દૂર કરશે. આ વિધેયક કાયદાનું પાલન કરનારી કોર્પોરેટ કંપનીઓને કામ કરવામાં વધુ સરળતા કરી આપશે.

એર ઈન્ડિયામાં સીધા વિદેશી મૂડી રોકાણને મંજૂરી

કેબિનેટના વધુ એક મહત્વના નિર્ણયમાં એમ/એસ એર ઇન્ડિયા લિમિટેડના સંદર્ભમાં ભારતીય નાગરિકતા ધરાવતા એનઆરઆઈ દ્વારા 100% સીધા વિદેશી મૂડી રોકાણની પરવાનગી આપવા માટે વર્તમાન એફડીઆઈ નીતિમાં સુધારો કરવાની મંજૂરી સામેલ છે. તેનો ઉદ્દેશ્ય ભારતીય નાગરિકતા ધરાવતા એનઆરઆઈ દ્વારા ઓટોમેટીક રૂટ અંતર્ગત 100% સુધી એર ઇન્ડિયા લિમિટેડમાં સીધું વિદેશી મૂડી રોકાણની પરવાનગી આપવાનો છે.

વર્તમાન એફડીઆઈ નીતિ અનુસાર શીડ્યુલ્ડ એર ટ્રાન્સપોર્ટ સર્વિસ/ ડોમેસ્ટિક શીડ્યુલ્ડ પેસેન્જર એરલાઈન (49% સુધી ઓટોમેટીક અને 49% બાદ સરકારી માધ્યમ વડે)ની અંદર 100% એફડીઆઈની પરવાનગી આપવામાં આવી છે. આમ છતાં, એનઆરઆઈ માટે શીડ્યુલ્ડ એર ટ્રાન્સપોર્ટ સેવાઓ/ ડોમેસ્ટિક શીડ્યુલ્ડ પેસેન્જર એર લાઈન્સની અંદર ઓટોમેટીક રૂટ અંતર્ગત 100% એફડીઆઈની પરવાનગી અપાઈ છે. એફડીઆઈ એ શરતને અધીન છે કે એરક્રાફ્ટ નિયમો, 1937 અનુસાર જરૂરી માલિકી અને અસરકારક નિયંત્રણ (એસઓઈસી) ભારતીય નાગરિકોના હાથમાં અપાશે. આમ છતાં. વર્તમાન નીતિ અનુસાર એર ઇન્ડિયા લિમિટેડ માટેનું વિદેશી મૂડી રોકાણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 49%થી વધુ નહી હોય. આ બાબત એ શરતને આધિન છે કે એર ઇન્ડિયા લિમિટેડની જરૂરી માલિકી અને અસરકારક નિયંત્રણ ભારતીય નાગરિકોના હાથમાં જ રહેશે. આથી, શીડ્યુલ્ડ એર ટ્રાન્સપોર્ટ સેવાઓ/ ડોમેસ્ટિક શીડ્યુલ્ડ પેસેન્જર એરલાઈન્સની અંદર ઓટોમેટીક રૂટ અંતર્ગત 100% એફડીઆઈની પરવાનગી અપાઈ છે. તેમ છતાં એર ઇન્ડિયાના કેસમાં તે માત્ર 49% સુધી જ મર્યાદિત રહેશે.