ગુજરાત

દાહોદની યુવતીઓ – મહિલાઓના આરોગ્યની દિશામાં મજબૂત કદમ, સ્વ સહાયજૂથ બન્યુ આર્થિક નિર્ભરતાનું માધ્યમ

46views

દાહોદ જિલ્લાની મહિલાઓને તેમના સ્ત્રીધર્મ સમયે સ્વાસ્થ્યની સંભાળ માટે આરોગ્ય વિભાગ દ્વારા સાવ નિઃશુલ્ક આપવામાં આવતા સેનેટરી પેડનું ઉત્પાદન લીમખેડા તાલુકાના દેગાવાડા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના આર્થિક સહયોગની બનાવવામાં આવેલા જયલક્ષ્મી સખી મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે. માસિક ધર્મમાં સંકોચ અનુભવતી અને તે સમયે નકામા વસ્ત્રોના ઉપયોગ કરતી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ અને યુવતીઓને કપડાની આદત છોડાવી તેના સ્થાને સેનેટરી પેડ આપવાની પહેલમાં દેગાવાડાની આ ૨૪ સખીઓ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહી છે.

આરોગ્યને સ્વચ્છતા સાથે સીધો સંબધ છે ત્યારે મહિલાઓએ માસિકધર્મ સમયે વિશેષ કાળજીની જરૂરીયાત રહે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક અહેવાલ મુજબ ભારતમાં ગ્રામ્ય વિસ્તારની ૪૧ ટકા મહિલાઓ જ સેનેટરી નેપકીનનો ઉપયોગ કરે છે. પરીણામે ગ્રામ્ય મહિલાઓમાં ચેપ લાગવાની, બિમાર પડવાની મોટી શક્યતાઓ રહેલી છે.

સેનેટરી નેપકીનના ઉપયોગના અભાવે યુવતીઓ-મહિલાઓ માનસિક તણાવમાં પણ રહે છે. ગ્રામ્ય વિસ્તારની ગરીબ મહિલાઓ માટે મોંઘા સેનેટરી નેપકિન ખરીદવા પણ મૂશ્કેલ છે ત્યારે, દાહોદના લીમખેડા તાલુકાના દેગાવાડા ગામની મહિલાઓ દ્વારા બનાવવામાં આવતા સેનેટરી નેપકિન આરોગ્ય વિભાગ દ્વારા ખરીદી લઇ જિલ્લાની વિવિધ શાળાઓ, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર ખાતે નિ:શુલ્ક આપીને મહિલાઓને સેનેટરી નેપકિનના ઉપયોગ બાબતે જાગૃતિનું મહત્વપૂર્ણ કાર્ય  કરાઈ રહ્યું છે. મહિલા આરોગ્યની દિશામાં થઇ રહેલું આ ભગીરથ કાર્ય સ્વસહાય જુથની ૨૪ મહિલાઓ માટે આર્થિક સ્વનિર્ભરતાનું માધ્યમ પણ બન્યું છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની આ એકમ સ્થાપવામાં મોટી ભૂમિકા છે. મિશન મંગલમ યોજના હેઠળ સ્થપાયેલા બહેનોના જયલક્ષ્મી સ્વસહાય જુથ વર્ષ ૨૦૧૫માં શરૂ કરાયુ હતુ.. જેમા જયલક્ષ્મી સ્વસહાય જુથની બહેનોને તાલુકા કક્ષાએથી ૧૨ હજાર રૂપિયા રિવોલ્વીગ ફંડ અને ગ્રામ સખી મંડળમાંથી ૫૦ હજાર લોન સહાય અપાઈ હતી. સાથે મહિલાઓને સેનેટરી નેપકિન બનાવવા માટેની ૨૧ દિવસીય તાલીમ પણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ આપી હતી. મહિલાઓ બે શિફ્ટમાં કામ કરીને રોજના અંદાજે ૧૦૦૦ સેનેટરી પેડનું ઉત્પાદન કરે છે. સેનેટરી પેડના એક પેકેટમાં ૬ નંગ આવે  છે, જેની કિંમત ૧૮ રૂપિયા થાય છે. દરેક મહિલા ઓછામાં ઓછા ૫ હજાર તો મહિને કમાય જ છે. પરીણામે તેમનું  જીવનધોરણ ખાસું ઉચું આવ્યું છે.

જયલક્ષ્મી સ્વસહાય જુથના ધર્મિષ્ઠાબેને જણાવ્યું કે આ ઉધોગે અમને સ્વાભિમાન સાથે જીવવાનો આત્મવિશ્વાસ આપ્યો છે. અમારી દૈનિક જરૂરીયાતની વસ્તુઓ આ કમાણીમાંથી આસાનીથી મેળવતા થયા છીએ. હવે ઘણી મહિલાઓએ દૂધાળા ઢોર પણ આ આવકમાંથી વસાવ્યા છે.

આ જુથ દ્વારા તૈયાર કરાયેલા સેનેટરી નેપકિનો મોટા જથ્થો જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા જ ખરીદી લેવાય છે. આરોગ્ય વિભાગના સહયોગથી આંગણવાડી, શાળાઓ, કોલેજો, આરોગ્ય કેન્દ્રો ખાતે યુવતીઓ-મહિલાઓને વર્ષે અંદાજે ૩ લાખ જેટલા સેનેટરી નેપકિન નિ:શુલ્ક અપાય છે. પરીણામે શાળા કોલેજની યુવતીઓમાં સેનેટરી નેપકિનના ઉપયોગ વિશે શરૂથી જ જાગૃકતતા આવે છે. આ દિવસોમાં સ્વચ્છતા રાખવાની અગત્યતા સમજે છે અને સાથે કિશોરાવસ્થામાં જે માહિતી માતા આપે છે તેની માહિતી તેમને શાળામાંથી જ મળી જાય છે. પરિણામે શરમ સંકોચનું સ્થાન આત્મવિશ્વાસે લીધું છે.