ગુજરાત

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં 17.83 લાખ વિદ્યાર્થીઓ, હળવાશ અને નિશ્ચિંતત્તાપૂર્વક વાતાવરણમાં પરીક્ષા યોજવા શિક્ષણ વિભાગ સજ્જ

 

  • પાંચ માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થશે
  • કુલ 17.53 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા
  • ધોરણ 10ના 10.83 લાખ, ધોરણ 12 સાયન્સના 1.43 લાખ
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહના 5.27 લાખ વિદ્યાર્થીઓ

કારકિર્દીના મહત્વના પડાવ ગણાતા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે બોર્ડમાં 17.53 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે જેમાં ધોરણ 10ના 10.83 લાખ, ધોરણ 12 સાયન્સના 1.43 લાખ, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 5.27 લાખ વિદ્યાર્થીઓ છે. કુલ 137 ઝોનમાં 1587 પરીક્ષા કેન્દ્રોમાં 5,557 બિલ્ડીંગમાં 60,027 વર્ગખંડોમાં પરીક્ષા યોજાશે. શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર 59,733 વર્ગખંડોમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરાઈ છે જ્યારે બાકીના 294 વર્ગખંડોમાં ટેબલેટથી મોનિટરીંગ થશે.

જિલ્લા અને રાજ્યકક્ષાએ કંટ્રોલરૂમ

બોર્ડના વિદ્યાર્થીઓ નિશ્ચિંતતાપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરી હોવાનું શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે. પરીક્ષા સંદર્ભે જરૂરિયાત મુજબ યોગ્ય સ્ટાફની પણ પસંદગી થઈ ચૂકી છે અને જિલ્લાકક્ષાએ વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નો અંગે સતત માર્ગદર્શન મળી રહે તે માટેની પણ વ્યવસ્થા તેમજ રાજ્યકક્ષાએ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરી દેવાયો છે.

સુરક્ષાનો પુરતો બંદોબસ્ત

પરીક્ષા દરમ્યાન કોઈ પણ સંજોગોમાં ગેરરિતી ન થાય તે માટે તકેદારી પણ રખાઈ છે, મોબાઈલ અને અન્ય ઈલેક્ટ્રોનિક સામગ્રીનો ગેરકાયદેસર ઉપયોગ કરતા ઉમેદવારો સામે તાત્કાલિક કાર્યવાહી પણ કરાશે. આ ઉપરાંત ઝોનલ કચેરીઓના સ્ટ્રોંગરૂમમાં અને પરીક્ષા કેન્દ્રો ખાતે પુરતા પોલીસ પ્રોટેક્શનની વ્યવસ્થા કરાઈ છે. જ્યારે અતિ સંવેદનશીલ કેન્દ્રો પર એસઆરપી અને સીઆરપીએફનો સ્ટાફ ગોઠવાયો છે. પરીક્ષાર્થીઓ પરીક્ષાખંડોમાં સમયસર અને સરળતાપૂર્વક પહોંચી શકે તે માટે એસ.ટી.બસની પૂરતી સગવડ પણ કરાઈ હોવાનું શિક્ષણ વિભાગે જણાવ્યું છે.