તાજા સમાચારદેશ

ભાજપ શાસિત રાજ્યની અનોખી પહેલ: દેશના આ રાજ્યના ખરાબ રસ્તાની માહિતી આપનાર વ્યક્તિને સરકાર આપશે આટલા રૂપિયા

સામાન્ય રીતે ભારે વાહનોના પરિવહનના કારણે રસ્તાઓ પર ખાડાઓ પડી જતા હોય છે. ત્યારે ખાડાઓને કારણે થયેલા મૃત્યુને ધ્યાનમાં રાખીને હરિયાણા સરકાર નવી પહેલ શરૂ કરવા જઈ રહી છે. 1 એપ્રિલથી, હરિયાણાના રહેવાસીઓ મોબાઇલ એપ્લિકેશન દ્વારા તેમના વિસ્તારના ખરાબ રસ્તાઓનું ફોટો શેર કરી શકશે અને એપ્લિકેશન પર ખરાબ રસ્તાનો ફોટો અપલોડ કર્યાના 96 કલાકની અંદર ખાડાઓનું સમારકામ કરવામાં આવશે.

હરપથપર ફોટો અપલોડ કરો

હરિયાણા સરકાર 1 એપ્રિલથી નવી પહેલ શરૂ કરવા જઈ રહી છે. આ માટે તેમણે એક એપ્લિકેશન શરૂ કરી છે. જેને ‘હરપથ’ નામ આપવામાં આવ્યું છે. આ એપ્લિકેશન દ્વારા રસ્તાના ખાડા અંગે માહિતી આપનારાઓને 100 રૂપિયા પ્રોત્સાહન મળશે. સરકાર દ્વારા ખાડાઓના સમારકામ  સંબંધિત કોન્ટ્રાક્ટરને 96 કલાકનો સમય આપવામાં આવશે. જો કોન્ટ્રાકટર 96 કલાકની અંદર રસ્તો ઠીક નહીં કરે તો તેના પર દરરોજ 1000 રૂપિયા દંડ થશે. દંડ તરીકે વસૂલવામાં આવેલી રકમમાંથી સરકાર ફરિયાદીને વળતર રૂપે 100 રૂપિયા આપશે.

હરિયાણા સરકાર ખરાબ રસ્તાઓના સમારકામમાં નાગરિકોની ભૂમિકા સુનિશ્ચિત કરવા માંગે છે. આવી સ્થિતિમાં, જો તમે હરિયાણાના રહેવાસી છો, તો ‘હરપથ’ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ખાડા સાથે રસ્તાની તસવીર અપલોડ કરી પોતાના વિસ્તારને સ્વચ્છ બનાવી શકશો.