ગુજરાત

મે મહિનાથી શરૂ થશે સિંહોની ગણતરી, રાજકોટ સહિત 30 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં થશે ગણતરી

80views

માત્ર ગીર નહી પરંતુ ગુજરાત અને સમગ્ર દેશની શાન ગણાતા એશિયાટીક સિંહોની વસતી ગણતરી મે મહિનાથી શરૂ થવા જઈ રહી છે. આ વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 30,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહોની ગણતરી થશે.  પાંચ વર્ષ પહેલા જેટલા વિસ્તારમાં સિંહોની ગણતરી થઈ હતી તેના કરતા આ વર્ષે વિસ્તારમાં 15 હજાર ચોરસ કિલોમીટરનો વધારો થયો છે.

વન વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગીર જંગલ અને આજુ બાજુમાં અમરેલી, ભાવનગર જિલ્લાના વિસ્તારમાં કેટલા સિંહો છે તેની ગણતરી કરાતી હતી પણ હવે રાજકોટ સહિત અન્ય વિસ્તારોમાં પણ સિંહોની ગણતરી થશે. વર્ષ 2015માં જ્યારે ગણતરી થઈ ત્યારે સિંહોની સંખ્યા 523 હતી જેમાં ખાસ્સો વધારો થયો હોવાની શક્યતા છે.

જાન્યુઆરી મહિનામાં રાજકોટથી 20 કિલોમીટર દૂર આજીડેમ ત્રંબા પાસે 2 સિંહોએ શિકાર કર્યો હતો તો આ પહેલા ગોંડલ પાસે અને ચામુંડા માતાજીના મંદિર ચોટીલા પાસે સિંહો હોવાની વાતો મળી હતી. આ તરફ જસદણ ગુંદાણા પાસે પણ સિંહો દેખાયા હતા. આમ સિંહો જંગલ વિસ્તાર ભૂલ્યા નથી પરંતુ જંગલ વિસ્તારની બહાર પણ નિવાસ બનાવ્યો હોય તેવું જાણવા મળ્યું છે.

મે માસના અજવાળી રાત્રિમાં સિંહોની ગણતરી થતી હોય છે તેનું કારણ છે કે આ સમયગાળા દરમ્યાન પાણીનો જથ્થો ઉપલબ્ધ હોય તેવી જગ્યાએ સિંહો પાણી પીવા આવતા હોય છે અને ઝાડી, ઝાંખરા, ઘાસ સુકાઈ ગયુ હોવાથી સિંહોને આસાનીથી જોઈ શકાય છે.