ગુજરાત

સરકારી સહાય અને પ્રશિક્ષણે બદલ્યું દાહોદની સુરતીબેનનું જીવન, મબલખ કમાણી સાથે બીજા લોકોને પણ આપે છે રોજગારી

આ વાત છે દાહોદ જિલ્લાના લીમખેડાના કંબોઈ ગામના મહિલા ખેડૂત સુરતીબેન સોલંકીની. તેઓએ પરિશ્રમ અને પ્રતિભાથી પોતાના પરિવારનું જીવન ધોરણ ઉન્નત કર્યુ છે. જોકે સાત વર્ષ પહેલા તેમની સ્થિતિ થોડીક અલગ હતી. સાત વર્ષ પહેલા સુરતીબહેન ફક્ત ઘઉં, મકાઈ, જુવાર જેવા પાકોની ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા. પરંતુ કંઈક નવું કરવાની ઘગશ અને સરકારી તંત્રના સહયોગથી તેમણે બાગાયતી ખેતી કરવાનું નક્કી કર્યુ. આ માટે દાહોદ જિલ્લા બાગાયત વિભાગે તેમને ફૂલોની ખેતી કરવાની તાલીમ આપી અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેમ મેળવાય તે શીખવ્યું.

સરકારી સહાયથી બનાવ્યો પાણીનો ટાંકો

પોતાની આગવી સુઝબૂઝ અને બાગાયતી ખેતી માટે મેળવેવા પ્રશિક્ષણથી હાલ સુરતીબેન સીઝન પ્રમાણે ગુલાબ, સેવંતી, બીજલી, મરચા, ટામેટાની ખેતી કરે છે. ફૂલોની ખેતી માટે પાણી પણ જરૂરી હોવાથી તેમણે 65 હજારની સરકારી સહાયથી પાણીનો ટાંકો બનાવ્યો જેથી બારે માસ પાક લઈ શકાય.  સુરતીબહેને બે એકર જમીનમાં સેન્દ્રિય ખાતર, ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી અપનાવી. આવક વધતા પશુપાલન પણ અપનાવ્યું, મધમાખી ઉછેરનો પણ સફળ પ્રયોગ કર્યો.

પોતાના પરિવારની ભાવિ પેઢીને આપી આર્થિક સદ્ધરતા

અત્યારે સુરતીબેન તેમના પતિ સેવાભાઈ સાથે પાકા મકાનમાં રહે છે અને પુત્રોને પણ સારી શાળામાં ભણાવીનું પરિવારની ભાવિ પેઢીને આર્થિક રીતે સદ્ધર ભવિષ્ય આપી રહ્યા છે. એટલું જ નહી જરૂર પડ્યે અન્ય લોકોને કામે રાખીને બીજા લોકો માટે રોજગારીનું સર્જન કરી રહ્યા છે.