ગુજરાત

માર્ચ મહિનાની શરૂઆત જ કોંગ્રેસ માટે અપશુકનિયાળ, મહેસાણા નગરપાલિકા કોંગ્રેસે ગુમાવી

કોંગ્રેસને આંતરિક જૂથવાદ ફરી એક વખત નડ્યો છે. આંતરિક જૂથવાદને લીધે કોંગ્રેસને મહેસાણા નગરપાલિકામાં સત્તાથી હાથ ધોવા પડ્યા છે. કોંગ્રેસના બળવાખોર સભ્યોએ પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકી વિરુદ્ધ મતદાન કરીને તેમને ઘેરભેગા કરી દીધા. અલબત્ત કોંગ્રેસે જ્યારથી મહેસાણા નગરપાલિકામાં સત્તા સંભાળી ત્યારથી જ પાલિકામાં કોંગ્રેસ બે જૂથોમાં વહેંચાયેલી રહી.

સોમવારે પોલીસ બંદોબસ્ત સાથે સાધારણ સભા શરૂ થઈ હતી. જેમાં પાલિકામાં કોંગ્રેસ દ્વારા સભા શરૂ થાય તે પહેલા જ વ્હીપ મુકીને પાલિકા પ્રમુખને યથાવત રાખવા દબાણ કરાયુ હતુ પરંતુ બળવાખોરોએ પાર્ટી વ્હીપનો અનાદર કરીને પાલિકા પ્રમુખની વિરુદ્ધ મતદાન કર્યુ. ભાજપના ટેકાથી કુલ 29 સભ્યોએ મતદાન કરતા હવે ભાજપના હાથમાં મહેસાણા નગરપાલિકાના કમાન આવી છે. મળતી માહિતી પ્રમાણે ભાજપના નવીન પરમાર સત્તાનું સુકાન સંભાળે તેવી શક્યતા છે. કોંગ્રેસના પાલિકા પ્રમુખ સામે ભ્રષ્ટાચાર અને સહીઓ ન કરીને લોકોના કામો ન થતા હોવાના આક્ષેપો પક્ષના સભ્યો જ કરી રહ્યા હતા. જેથી કોંગ્રેસના સભ્યોએ જ કોંગ્રેસને સત્તાથી વિમુખ કરી દીધી.