તાજા સમાચારગુજરાત

CAA અંગે ભ્રાંતિ ફેલાવવા કોંગ્રેસનો નવો પેતરો, ગરીબોના ઘરો પર ચોટાડ્યા વિરોધના સ્ટીકરો

કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય સ્તરે નાગરિકતા કાયદાનો અપ્રચાર ફેલાવ્યા બાદ હવે વિધાનસભા વિસ્તારોમાં ઘરે ઘરે જઇને લોકોને નાગરિકતા કાયદા પર ભ્રમિત કરી આ કાયદાનો વિરોધ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પોતાના વિધાનસભા વિસ્તારમાં ઘરે ઘરે જઇને નાગરિકતા કાયદો, એનઆરસી અને એનપીઆરનો વિરોધ કરો તેવા સ્ટીકરો ચોટાડી ફરી એકવાર રાજ્યની શાંત પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કાવતરૂ ઘડી રહ્યા છે.

થોડા સમય પહેલા અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં નાગરિકતા કાયદાના વિરોધમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પરંતુ તે શાંતિપૂર્ણ પ્રદર્શનમાં કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા જોડાતાની સાથે રાજ્યમાં 18 વર્ષ બાદ હિંસક બનાવો સામે આવ્યા હતા. ત્યારે ફરી એકવાર નાગરિકતા કાયદા વિશે ગુજરાતની શાંત પ્રજાના મનમાં પ્રાંતવાદનું ઝેર ઘોળવાની રાજ રમત કોંગ્રેસ દ્વારા રમવામાં આવી રહી છે.   

સત્તા માટે સતત વલખા મારી રહેલી ગુજરાત કોંગ્રેસ રાજ્યની શાંતિ ફરી એકવાર ડહોળાય તે માટે અનેક પેતરાઓ અપનાવામાં આવી રહ્યા છે. પરંતુ ગુજરાતની જનતાએ હંમેશા તેમના આવા રાષ્ટ્ર વિરોધી મનસુબાઓને જાકારો આપ્યો છે. ત્યારે ફરી એક વાર ગુજરાત કોંગ્રેસ અને તેના કાર્યકર્તાઓ દ્વારા રાજ્યની જનતાને ગેરમાર્ગે દોરાવા માટે વિધાનસભા વિસ્તારોમાં સ્ટીકરો ચોડાવામાં આવી રહ્યા છે.