દેશબીઝનેસ

સસ્તામાં સોનું ખરીદવાની મોદી સરકાર આપી રહી છે તક, સોવરિન ગોલ્ડ બોન્ડમાં ઓનલાઈન પેમેન્ટ પર પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ

શેરબજારમાં ઉતાર ચઢાવના માહોલમાં સામાન્ય રોકાણકાર ઈન્વેસ્ટમેન્ટ અંગે મુંઝવણ અનુભવતો હોય છે. ત્યારે સોનામાં ઈન્વેસ્ટમેન્ટને રોકાણકારો બેસ્ટ ઓપ્શન માને છે. અને અત્યાર સુધીમાં જો કોઈ સુરક્ષિત રોકાણ હોય તો સોનામાં કરેલું રોકાણ સુરક્ષિત રોકાણમાંથી એક કહી શકાય. અલબત્ત ફરી એક વખત મોદી સરકારે સોનામાં રોકાણ કરવાની સામાન્ય માણસોને તક આવી છે. નાણાંકિય વર્ષ 2019-20માં સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણની આ છેલ્લી તક છે. આરબીઆઈના જણાવ્યા પ્રમાણે 2 માર્ચથી 6 માર્ચ દરમ્યાન સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકાશે. આ વખતે ગોલ્ડ બોન્ડની ઈશ્યૂ પ્રાઈઝ પ્રતિ ગ્રામ દીઠ 4,260 રૂપિયા નક્કી કરાઈ છે.

  • ડિજિટલ પેમેન્ટ પર 50 રૂપિયાની છૂટ

સોનાના બોન્ડ માટે ઓનલાઈન અરજી અને પેમેન્ટ કરનારને સરકારે પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. એટલે કે જો તમે  ડિજિટલ પેમેન્ટથી ચૂકવણી કરો છો તો તેમને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. છૂટ બાદ ગોલ્ડ બોન્ડની ઈશ્યૂ પ્રાઈઝ પ્રતિ ગ્રામ 4,210 રૂપિયા રહેશે.

  • સોનાના ભાવ વધતા રોકાણકારોને ફાયદો

સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના હેઠળ સોનાની ખરીદી કરાતી નથી પરંતુ બોન્ડમાં રોકાણ તરીકે ઉપયોગમાં લેવાય છે. બોન્ડ આધારિત સોનાની કિંમત આરબીઆઈ દ્વારા નક્કી કરાય છે. જેમ જેમ સોનાનો ભાવ વધે છે તેમ તેમ સોનાના બોન્ડના રોકાણકારોને ફાયદો પણ થાય છે. જોકે કોઈ પણ વ્યક્તિ એક નાણાંકિય વર્ષમાં વધુમાં વધુ 500 ગ્રામ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે.