દેશબીઝનેસ

સતત ચોથા મહિને જીએસટી કલેક્શન 1 લાખ કરોડને પાર, ફેબ્રુઆરીમાં 12 ટકાનો વધારો

ઈકોનોમીને લઈને વિપક્ષ ભલે કાગારોળ મચાવે પરંતુ સરકારના પ્રયાસોથી જીએસટીની આવક  વધી રહ્યી છે. સતત ચોથા મહિને જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાને પાર પહોચ્યું છે. નાણાં મંત્રાલયના આંકડા અનુસાર ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં 1,05,366 કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયું છે. જે ગત વર્ષના ફેબ્રુઆરી કરતા 12 ટકા વધારે છે. નોંઘનીય બાબત એ છે કે નવેમ્બર મહિનાથી જીએસટી કલેક્શન દર મહિને 1 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી રહ્યું છે.

નાણાંમંત્રાલયના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી 2020માં જીએસટીના કુલ કલેક્શનમાં સીજીએસટીની હિસ્સેદારી 20,569 કરોડ રૂપિયા, એસજીએસટીની હિસ્સેદારી 27,348 કરોડ રૂપિયા, અને આઈજીએસટીની હિસ્સેદારી 48,503 કરોડ રૂપિયા રહી. જ્યારે આ દરમ્યાન સેસની આવક 8,947 કરોડ રૂપિયા રહી.  તેમજ 29 ફેબ્રુઆરી 2020 સુધીમાં જાન્યુઆરી માટે 83 લાખ જીએસટીઆર 3બી રીટર્ન ફાઈલ કરાયા છે.

ફેબ્રુઆરી 2020ના નિયમિત સેટલમેન્ટ બાદ કેન્દ્ર સરકારને સીજીએસટીના સ્વરૂપમાં 43,155 કરોડ રૂપિયા જ્યારે રાજ્યોને એસજીએસટીના સ્વરૂપમાં 43,901 કરોડ રૂપિયાની મહેસુલી આવક થઈ છે.