દેશ

હવાઈ મુસાફરી દરમ્યાન વાઈ-ફાઈના માધ્યમથી ઈન્ટરનેટ વાપરવાની સરકારે આપી મંજૂરી

હવાઈ મુસાફરી કરતા લોકો માટે એક સારા સમાચાર છે. હવેથી ડોમેસ્ટીક પેસેન્જરો પણ હવાઈ મુસાફરી દરમ્યાન ઈન્ટરનેટની સુવિધાનો લાભ ઉઠાવી શકશે. સરકારે સ્થાનિક હવાઈ સેવાઓ દરમ્યાન વાઈ-ફાઈના માધ્યમથી ઈન્ટરનેટ સેવાના ઉપયોગને મંજૂરી આપી  છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા અધિસુચના બહાર પાડીને વિમાન અધિનિયમ 1937માં ફેરફાર કર્યો છે. જે અનુસાર હવે પાયલોટ ઈન કમાન્ડ ઉડાન દરમ્યાન વાઈ-ફાઈના માધ્યમથી મુસાફરોને ઈન્ટરનેટની સુવિધા વાપરવાની પરવાનગી આપી શકે છે. મુસાફરો ઈન્ટરનેટના માધ્યમથી લેપટોપ, સ્માર્ટફોન, ઈ-રીડર, સ્માર્ટવોચ અથવા ટેબલેટ જેવા ઉપકરણો વાપરી શકશે. આ સેવા પાયલોટ દ્વારા એવા સમયે સ્થગિત કરાઈ શકે છે કે જ્યારે હવામાન ખરાબ હોય અથવા તો વિઝીબિલીટી ઓછી હોય.

વર્તમાન સમયમાં એરક્રાફ્ટ કાયદો 1937ના રૂલ 29-બી હેઠળ નિયમ બનાવાયો હતો કે હવાઈ મુસાફરી દરમ્યાન કોઈ પણ મુસાફર કે પાયલોટ ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ નહી કરી શકે.  હવે મંત્રાલયના નોટિફિકેશન પ્રમાણે રૂલ 1ના આધારે પાયલોટ ઈન કમાન્ડ આ સેવાને ઉપલબ્ધ કરાવી શકે છે. જોકે વિમાનના ઉતરાણ અથવા રન વે પર હોય એ દરમ્યાન આ સેવાનો ઉપયોગ નહી કરવાનો નોટિફિકેશનમાં ઉલ્લેખ છે.