દેશ

હિંસાના નામે ખોટા વીડિયોમાં કોમવાદનો એન્ગલ ઉમેરાયો, બ્રિટનમાં પાકિસ્તાની મૂળના સાંસદે ટ્વિટર પર દર્શાવી ભારત વિરોધી માનસિક્તા

દિલ્હીમાં હિંસાની આગ જેટલી ભયાનક છે તેના કરતા વધારે આગ તો સોશિયલ મીડિયામાં લાગેલી છે. અને તેમાય સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝની ફેક્ટરી નાંખીને બેઠેલા લોકોએ તો ભારત વિરોધી મોર્ચો ખોલી નાખ્યો છે. ફેક ન્યૂઝ ફેલાવવામાં કેટલાક દેશ વિરોધી તત્વોમાં અનેક ખ્યાતનામ અને સેલિબ્રિટીઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી હિંસાની અગ્નિમાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે.

હાલમાં સોશિયલ મીડિયામાં ગમે તે વીડિયોને દિલ્હી હિંસાના નામે વાઈરલ કરાઈ રહ્યો છે. એડિટ કરેલા વીડિયો જોઈને લોકો ગુસ્સાથી લાલચોળ થઈ રહ્યા છે. ગમે તે ભોગે દિલ્હીમાં હિંસાના નામે ભારતમાં કોમી તોફાનોમાં લઘુમતીઓની કેવી સ્થિતિ છે તેવો બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ફેક ન્યૂઝનો ફેલાવો જેના માધ્યમથી થઈ રહ્યો છે તે ટ્વીટર પણ એટલું જ જવાબદાર છે. લોકોને ફેક ન્યૂઝ અને ભારત વિરોધી માનસિક્તા પ્રદર્શિત કરવા માટે  જાણે ટ્વીટરે પ્લેટફોર્મ પુરુ પાડ્યુ છે.

કોઈ શખ્સ ટ્વીટર પર ભારત વિરોધી નિવેદન અને લઘુમતીઓ ઉશ્કેરાય તેવુ નિવેદન અને વીડિયો મુકે છે અને તેના ફોલોઅર્સ પણ જાણ્યા વિચાર્યા વગર ટ્વીટને શેર કરી રહ્યા છે.. માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશોમાંથી લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની મેલી મુરાદને વહેતી કરી રહ્યા છે.

એક ઉદાહરણ તરીકે જોઈએ તો બ્રિટનમાં જન્મેલા અને પાકિસ્તાની મૂળના સાંસદ લોર્ડ નાઝીર અહેમદ પણ ટ્વીટરથી ખોટા સમાચારો ફેલાવીને ભારતમાં ટેન્શન વધે તેવો પ્રયાસ તેમણે કર્યો. નાઝીર અહેમદે ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે ભારતમાં એક માતા અને તેના નવજાત બાળકને જીવતુ સળગાવી દેવામાં આવ્યો. આ ટ્વીટે આગળ જતા કોમવાદનું સ્વરૂપ લઈ લીધુ.

હકિકતમાં જે વીડિયો  નાઝીર અહેમદે પોસ્ટ કર્યો હતો તે પશ્ચિમ બંગાળના નોર્થ દિનાજપુર જિલ્લાના ઈસ્લામપુર વિસ્તારનો હતો.  જેમાં અકબર અલામ નામના વ્યક્તિએ પોતાની પત્ની અને બે માસના બાળકની હત્યા કરીને સળગાવી નાખ્યા હતા. આ વીડિયો 29 જાન્યુઆરીનો છે અને તે અંગેના અહેવાલો પણ મીડિયામાં આવ્યા છે. પરંતુ બ્રિટનની સંસદમાં ઉપલા ગૃહના સાંસદ નાઝીર અહેમદે આ વીડિયોનો ઉપયોગ કોમવાદનું ઝેર ફેલાવવા માટે કર્યો.

ત્યારે સવાલ એ થાય કે શું ફેક ન્યૂઝ ફેલાતા અટકાવવાની જવાબદારી ટ્વીટરની નથી. શા માટે તે ફેક ન્યૂઝના ફેલાવાનું પ્લેટફોર્મ બની ગયુ છે. હવે સવાલ ટ્વીટર યુઝર્સ પર આવી જાય છે તેઓ ભારત વિરોધી માનસિક્તા ફેલવાતા લોકોને કેવો જવાબ આપે છે.