ગુજરાત

ઘરનું લાઈટબિલ પણ ઘટશે અને કમાણી પણ થશે, જાણો કેવી રીતે

ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પર્યાવરણ જતનમાં પણ ગુજરાત અગ્રેસર છે. ઔદ્યોગિક મૂડી રોકાણ આકર્ષવાની સાથે સાથે પર્યાવરણની જાળવણી કરવામાં પણ ગુજરાત આગળ વધી રહ્યુ છે. વાત થઈ રહી છે સોલાર રૂફટોપની..જાણીને નવાઈ લાગશે કે રહેણાંક વિસ્તારમાં સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમક્રમે છે. રહેણાંક વિસ્તારોમાં ન માત્ર લોકો રૂફટોપ લગાવીને પોતાના વીજબીલ ઘટાડી રહ્યા છે પરંતુ કમાણી પણ કરી રહ્યા છે.

  • સૌર ઉર્જા કમાણીનું નવું માધ્યમ

ગુજરાત સરકારની યોજના હેઠળ લોકો પોતાના ઘર પર સૌર ઉર્જા ઉત્પન્ન કરી વધારાની ઉર્જા ગ્રીડમાં વેચીને વધારાની આવક મેળવી રહ્યા છે. વીજ ગ્રાહકો ઘરવપરાશ બાદ ગ્રીડમાં મોકલેલી વધારાની વીજળીને વીજ કંપનીઓ 2.25 રૂપિયાના દરે ખરીદે તેવી યોજના છે. સોલાર રૂફટોપ કેવી રીતે સ્થાપવુ અને તેની અરજી ક્યાં કરવી તે તમામ વિગતોની જાણકારી માટે ઓનલાઈન પોર્ટલની પણ સુવિધા છે.

  • 1 લાખથી વધુ લોકોએ કરી અરજી

આ યોજનાને એટલો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો કે ચાલુ નાણાંકિય વર્ષમાં અરજી કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી હતી જેને રાજ્ય સરકારે લંબાવીને 15 માર્ચ 2020 કરી છે. 25 ઓગસ્ટ 2019ના રોજ આ યોજના શરૂ કરાઈ હતી અને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ગ્રાહકોએ સોલાર રૂફટોપ માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે.

  • દેશમાં બનેલા સોલાર સેલને જ મંજૂરી

ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું કે એજન્સી દ્વારા સોલાર રૂફટોપ સિસ્ટમના ઈન્સ્ટોલેશન બાદ પાંચ વર્ષ માટે મેઈન્ટેનન્સ કરવામાં આવે છે. એટલુ જ નહી ભારતમાં બનેલા સોલાર સેલ અને સોલર મોડ્યુલોને જ મંજૂરી અપાય છે, વિદેશી બનાવટના સોલર મોડ્યુલ મંજૂર કરાતા નથી. જેનાથી ભારતમાં સોલર ઈન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન મળે.

  • સોલાર રૂફટોપ માટે સબસિડીની સુવિધા

ગ્રાહકો 1 કિલોવોટ ડીસી કે તેથી વધુની ક્ષમતાના સોલાર સિસ્ટમ બેસાડી શકે છે. અને લાભાર્થીઓને વધુમાં વધુ 10 કિલોવોટની ક્ષમતા સુધીની સબસિડી અપાશે. રહેણાક વિસ્તારમાં સોલાર રૂફટોપ સિસ્ટમ પર 3 કિલોવોટ સુધી નિયત કિંમતના 40 ટકા સબસિડી અને 3 કિલોવોટથી વધુ અને 10 કિલોવોટ સુધી 20 ટકા સબસિડી અપાશે. આ ઉપરાંત ગ્રુપ હાઉસિંગ સોસાયટી, રેસિડેન્શિયલ વેલ્ફેર એસોસિએશનની સોસાયટીની લાઈટ, સોસાયટીનું વોટરવર્કસ, લિફ્ટ, જીમ, સ્વીમિંગ પુલ, બગીચો જેવી સુવિધઆઓના વીજ જોડાણો માટે સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવા 20 ટકા સુધીની સબસિડી અપાય છે.