ગુજરાત

23 માર્ચથી અમદાવાદ – કેશોદ હવાઈ સેવા શરૂ થવાની સંભાવના

અમદાવાદ અને કેશોદ વચ્ચે હવાઈ સેવા શરૂ થવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાતના પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાના જણાવ્યા પ્રમાણે અમદાવાદ- કેશોદ વચ્ચે 72 સીટની ક્ષમતા ધરાવતા પ્લેનની સેવા 23 માર્ચથી શરૂ થાય તેવી સંભાવના છે..

પ્લેનના શિડ્યુલ પ્રમાણે પ્લેન અમદાવાદથી સવારે 10.00 વાગ્યે ઉપડશે અને બપોરે 11.20 વાગ્યે કેશોદ એરપોર્ટ પહોંચશે. જ્યારે તે જ ફ્લાઈટ કેશોદથી અમદાવાદ આવશે. એકરીતે જોઈએ તો કેશોદની સોમનાથ અને સાસણગીર સાથે કનેક્ટિવીટી છે. પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક છે જ્યારે સાસણ એ એશિયાટિક સિંહો અને કેસર કેરી માટે પ્રખ્યાત છે.

નિયમિત હવાઈ સેવા માટે કેશોદ એરપોર્ટ છેલ્લા બે દાયકાથી બંધ હતુ. જોકે ક્યારેક ક્યારેક વીઆઈપી એરક્રાફ્ટ અહી આવતા રહેતા હતા. કેશોદ એરપોર્ટના ઈતિહાસ પર નજર કરીએ તો જૂનાગઢના નવાબે પોતાના ખાનગી વપરાશ માટે 460 એકર વિસ્તારમાં આ એરપોર્ટ બનાવ્યું હતુ બાદમાં 1980માં તેનું નવીનિકરણ કરાયુ.