ગુજરાત

ગુજરાતના નાગરિકો માટે આરોગ્યલક્ષી નિર્ણય, મીઠાઈના ઉત્પાદકોએ મીઠાઈના ઉત્પાદન અને બેસ્ટ બીફોર તારીખ જણાવવી પડશે

 

  • રાજ્યના આરોગ્યવિભાગનો મહત્વનો નિર્ણય
  • મીઠાઈના ઉત્પાદનની તારીખ દર્શાવવી પડશે
  • બેસ્ટ બીફોર તારીખ પણ જણાવવી પડશે

ગુજરાતના નાગરિકોનું આરોગ્ય જોખમાય નહી અને લોકોને શુદ્ધ અને સાત્વિક ખાદ્યચીજો મળી રહે તે માટે આરોગ્ય વિભાગે કવાયત હાથ ધરી છે. જેના ભાગ રૂપે મીઠાઈના ઉત્પાદકો માટે નિયમો કડક બનાવાયા છે. જેમાં મીઠાઈ ઉત્પાદકોએ પ્રિ-પેકેઝ્ડ મીઠાઈ ઉપર ઉત્પાદનની તારીખ અને બેસ્ટ બીફોર તારીખ ફરજિયાત છાપવાની રહેશે.

ખોરાક અને ઔષધ નિયમન કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું કે નાગરિકોના આરોગ્યને ધ્યાને રાખીને નિર્ણય કરાયો છે. મીઠાઈની ગુણવત્તા જોખમાય નહી તે હેતુથી પરંપરાગત રીતે બનાવાતી દૂધની મીઠાઈનું વેચાણ કરતી વખતે પેકેટ ઉપર અથવા તો જે મીઠાઈના વેપારીઓ લૂઝ અથવા પેકિંગ કર્યા વગર મીઠાઈ વેચતા હોય તેમણે મીઠાઈની ટ્રે પર ઉત્પાદનની તારીખ અને બેસ્ટ બીફોરની તારીખ ફરજિયાત જણાવવી પડશે.

આરોગ્ય વિભાગના મતે ઉત્પાદનની બેસ્ટ બીફોર તારીખ જે તે વિસ્તાર, જે તે સમયનું તાપમાન તથા ઉત્પાદનના પ્રકારને ધ્યાને રાખીને નક્કી કરવાની રહેશે. ઉત્પાદન તારીખ તથા બેસ્ટ બીફોર તારીખ જણાવ્યા વગર મીઠાઈનું વેચાણ કરનારા વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરાશે.