ગુજરાત

વાહનચાલકો સાવધાન, ગુજરાતના 41 શહેરોમાં 7000થી વધુ સીસીટીવી કેમેરાનું નેટવર્ક, ટ્રાફિક નિયમના ભંગ બદલ ઈસ્યુ થશે ઈ-મેમો  

 

  • ગુજરાતમાં માર્ગ સુરક્ષા વધુ સઘન
  • 41 જિલ્લાઓમાં 7000થી વધુ સીસીટીવી કેમેરાનું નેટવર્ક
  • ઈ-મેમોની રકમ ઓનલાઈન ભરવાની સુવિધા

ગુજરાતમાં નાગરિકોની માર્ગ સલામતી- સુરક્ષા વધુ સઘન બને તે માટે ગુજરાત પોલીસ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ તમામ જિલ્લાઓમાં 7000થી વધુ સીસીટીવી કેમેરા કાર્યરત કરાયા છે. ગુજરાતના 41 શહેરોમાં વાહનચાલકોને ટ્રાફિક નિયમોના ઉલ્લંધન બદલ દંડ પેટે ઈ-ચલણ ઈસ્યુ કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે.

  • 41 શહેરોમાં 7000થી વધુ સીસીટીવી કેમેરા

લોકોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા અને કાયદો –વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવામાં આ પ્રોજેક્ટ અતિ મહત્વનો સાબિત થઈ રહ્યો છે. રાજ્યના તમામ જિલ્લાના 41 શહેરોમાં ટ્રાફિક જંકશન, પ્રવેશ, એક્ઝિટ પોઈન્ટ અને સ્ટ્રેટેજિક સ્થળોએ 7000થી વધુ સીસીટીવી કેમેરાનું મજબૂત નેટવર્ક ગોઠવી દેવાયું છે. જેને સંબંધિત જિલ્લાના નેત્રમ સાથે પોઈન્ટ ટુ પોઈન્ટ ક્રાઈબર કનેક્ટીવીટીથી જોડાયુ છે.

  • ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ- મેમો ઈસ્યુ થશે

રોંગ સાઈડમાં વાહન ચલાવવુ, ઓવરસ્પીડથી વાહન ચલાવવું, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, ટ્રીપલ સવારી જેવા નિયમોના ઉલ્લંઘન કરતા વાગનચાલકો પર સીસીટીવી કેમેરા નેટવર્કની હવે બાજ નજર રહેશે. અને ઉપરોક્ત નિયમોનું ઉલ્લંઘન થશે તો વાહન ચાલક વિરુદ્ધ ઈ-મેમો ઈસ્યુ કરાશે.

  • ઓનલાઈન ઈ-મેમો ભરવાની સુવિધા

વાહનચાલકો ઇ-ચલણની રકમ ઓનલાઇન પોર્ટલ http//echallanpayment.gov.in ઉપર ક્રેડિટકાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિગથી ભરી શકશે.  આ ઉપરાંત પોતાના જિલ્લાના નેત્રમ અને નિયત કરેલા પોલીસ સ્ટેશન ખાતે રોકડમાં પણ વાહન ચાલકો ઈ-મેમોની રકમ  ભરી શકશે.