ગુજરાત

સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રતિદિન 27 કરોડ લિટર દરિયાનું ખારૂ પાણી પીવાલાયક બનશે, 4 ડિસેલીનેશન પ્લાન્ટ માટે થયા કરાર

  • દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠુ બનાવાશે
  • 4-સી વોટર ડિસેલીનેશન પ્લાન્ટ સ્થપાશે
  • પ્રતિદિન 27 કરોડ લિટર દરિયાનું ખારૂ પાણી પીવાલાયક બનશે

સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠુ બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. પ્રારંભિક તબક્કામાં કચ્છ  અને ગીર સોમનાથ જિલ્લામાં કુલ 4 સી-વોટર ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા ગુજરાત સરકારે એક સ્પેશિયલ પરપઝ વ્હીકલ – SPV સાથે કરાર કર્યા છે.

ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ હસ્તકની ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને મુંબઈની શાપુરજી પાલનજી એન્ક કંપની તથા એક્વાટેક સિસ્ટમ પ્રાઈવેટ લિમિટેડની જોઈન્ટ વેન્ચર સાથે આ કરાર થયા છે.

કરાર અનુસાર દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામ નજીક રોજના 7 કરોડ લિટર, ભાવનગરના ઘોઘા નજીક દૈનિક 7 કરોડ લિટર, કચ્છના માંડવી તાલુકાના ગુંદીયાલી ગામ પાસે 10 કરોડ લિટર અને ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામ પાસે 3 કરોડ લિટર પ્રતિદિન સમુદ્રના ખારા પાણીને પીવાલાયક બનાવવા માટેના પ્લાન્ટ સ્થપાશે. આ ચારેય પ્લાન્ટની સ્થાપના અને પ્રોજેક્ટને પર્યાવરણીય તથા અન્ય પરવાનગી મેળવવામાં રાજ્ય સરકાર પણ સહયોગ કરશે. અને તમામ મંજૂરી મળ્યાના બે વર્ષની અંદર પ્લાન્ટ કાર્યકર કરાશે જેનાથી પ્રતિદિન 27 કરોડ લિટર દરિયાનું ખારૂ પાણી પીવાલાયક મીઠું બનશે.

વીડિયોમાં જૂઓ કેવી રીતે દરિયાનું ખારૂ પાણી પીવાલાયક બનશે