તાજા સમાચારગુજરાત

ગુજરાત બજેટ: પાણીદાર બનશે ગુજરાત, બજેટમાં જળ સંપત્તિ માટે સરકારે ફાળવ્યા રૂ. 27,220 કરોડ, હવે છેવાડાના ગામ સુધી પહોંચશે પાણી

રાજ્યની રૂપાણી સરકાર રાજ્યના છેવાડા ગામ સુધી પાણી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છે. ત્યારે આજ રોજ નાણા પ્રધાન નીતિન પટેલે જાહેર કરેલા બજેટમાં જળ સંપત્તિ માટે વિશેષ જોગવાઇ કરી છે. ત્યારે ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા તેમજ ભૂગર્ભ જળ વ્યવસ્થાપનને ઉત્તેજન આપવા ભારત સરકારના સહયોગથી અટલ ભુજલ યોજના અમલમાં આવેલ છે અને આ યોજના હેઠળ ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લાના 24 તાલુકાઓને પાંચ વર્ષના સમયગાળા માટે રૂ.757 કરોડ ફાળવવાનું આયોજન કરેલ છે.

આ બજેટમાં ચેકડેમ, તળાવો નવા બનાવવા અને ઊંડા કરવા જેવા જળસંચય યોજનાઓના કામો માટે રૂ. 336 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.  બનાસકાંઠા જિલ્લામાં થરાદથી સીપુ ડેમ સુધી પાઈપલાઈન નાખવાથી થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાના આશરે 6000 હેક્ટર વિસ્તારને લાભ થશે . જેના માટે રૂ.225 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ કચ્છમાં નર્મદાના પૂરના વધારાના પાણી દ્વારા સિંચાઈ સુવિધાઓ વધારવા માટે રૂ. 1૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આ સાથે નર્મદા યોજનાનો પૂર્ણ લાભ રાજ્યની જનતાને મળી રહે તે માટે રૂ. 8755 કરોડનું આયોજન છે . જેના અંતર્ગત મુખ્ય બંધના આનુષંગિક કામો , પુન : વસન તથા પર્યાવરણીય કામગીરી, ગરુડેશ્વર વિયર, ગોરા બ્રિજના બાંધકામ, પાવર હાઉસોની જાળવણી, કેનાલ ઓટોમેશનની કામગીરી, પ્રપ્રશાખા નહેરો સુધીના કામો તેમજ જમીન સંપાદન જેવા કામો કરવામાં આવવાના છે.