તાજા સમાચારગુજરાત

ગુજરાત બજેટ 2020-21: વૃદ્ધોને આધાર અને યુવાઓને રોજગાર આપતું બજેટ, પોલીસ વિભાગમાં નવી 11 હજારની ભરતી કરાશે

આજ રોજ નાણામંત્રી નીતિન પટેલે વર્ષ 2020 – 21 માટેનું ગુજરાતનું બજેટ જાહેર કર્યું છે. જે ગુજરાતની જનતાને આવરી લેતું બજેટ છે. આ બજેટમાં રાજ્યની જનતાની સુરક્ષાની સાથે રોજગારી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી સમયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બને અને રાજ્યના યુવાનોને રોજગારી સાથે પોલીસમાં સેવા કરવાની તક મળે તે માટે પોલીસ વિભાગમાં વિવિધ સંવર્ગમાં 11 હજાર નવી ભરતી કરવામાં આવશે. જ્યારે 4,528 જેટલા હોમગાર્ડ્સની ભરતી કરવામાં આવશે. જેથી હવે હોમગાર્ડનું સંખ્યાબળ 49 હજાર 808 જેટલું થઈ જશે.

વૃદ્ધોના પડખે ઉભી રૂપાણી સરકાર : –

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે વિધાનસભામાં વર્ષ 2020-2021નું રૂ.2.17 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ 75 વર્ષથી વધુના વૃદ્ધોને રૂ. 750ને બદલે રૂ.1000ની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. જ્યારે 80 ટકાથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને માસિક રૂ.600ની જગ્યાએ રૂ.1000ની સહાય ચૂકવવામાં આવશે. રાજ્યમાં આવેલા વૃદ્ધાશ્રમોની નિભાવ ગ્રાન્ટ માસિક રૂ.1500થી વધારી રૂ. 2160 કરવામાં આવશે.