તાજા સમાચારગુજરાત

આવતીકાલે નીતિન પટેલ વિધાનસભામાં રજૂ કરશે બજેટ, કૃષિ, રોજગારી અને ઔદ્યોગિક વિકાસની યોજનાઓ થઈ શકે છે જાહેર

બુધવારથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. સત્રના પ્રથમ દિવસે નાણાંપ્રધાન નીતિન પટેલ ગુજરાતનુ વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બજેટના કદમાં 18 હજાર કરોડનો વધારો થઈ શકે છે. અંદાજે 2.22 લાખ કરોડનું બજેટ રજૂ થાય તેવી સંભાવના છે. બજેટમાં રાજ્ય સરકાર નાણાંકીય સંતુલનની સાથે સાથે ગુજરાતમાં મહાનગર પાલિકાઓની ચૂંટણીને ધ્યાને રાખીને વેરા વધારાની દરખાસ્ત ન કરે તેવી પુરેપુરી શક્યતાઓ છે.

રાજ્ય સરકારના બજેટમાં રોજગારીની સાથે સાથે કૃષિ અને ઔદ્યોગિક વિકાસ માટેની યોજનાઓની પણ જાહેરાત થઈ શકે છે. લોકસભાની ચૂંટણી બાદ જૂલાઈ 2019માં પૂર્ણ બજેટ રજૂ થયુ હતુ. જેનું કદ 2 લાખ 4 હજાર કરોડ રૂપિયા હતુ. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ બજેટ હતુ કે જેનું કદ 2 લાખ કરોડને પાર પહોચ્યું હોય. ત્યારે આ વખતે 18 હજાર કરોડ રૂપિયા વધુ ઉમેરાય તો બજેટનું કદ 2.22 લાખ કરોડે પહોંચે તેવી સંભાવના છે.