તાજા સમાચારદેશ

દિલ્હીમાં હિંસક ઘટનાઓ પાછળ પીએફઆઈનો હાથ, સીએએ વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનને ફંડિગ પુરુ પાડવાનો આરોપ

દિલ્હીમાં હિંસક ઘટનાઓ પાછળ પીએફઆઈનો હાથ હોવાની આશંકા છે. ગુપ્તચર વિભાગના સુત્રોના મતે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સીએએ આંદોલનની આડમાં હિંસક અથડામણનો કરાવતી હોવાની શક્યતા છે. સોમવારે દિલ્હીમાં થયેલી હિંસા પાછળ પણ પીએફઆઈનો હાથ હોવાની વાત સામે આવી છે. આ એ જ ઓર્ગેનાઈઝેશન છે કે જે સીએએ વિરુદ્ધ ચાલતા પ્રદર્શનને ફંડિંગ પુરુ પાડે છે.

મહત્વનું છે કે શાહીનબાગ મુદ્દે એસઆઈટી તપાસમાં હિંસક ઘટનાઓ પાછળ પીએફઆઈ સંગઠનનો હાથ હોવાનું સામે આવ્યું છે. આ સંગઠનના લોકોએ ધાર્મિક સ્થળોની આસપાસ હિંસક પ્રદર્શનના પેમ્પલેટ વેચ્યા હતા. પીએફઆઈના સભ્યો ન માત્ર હિંસક પ્રદર્શનોમાં સામેલ થયા પરંતુ લોકોને ઉશ્કેર્યા પણ હતા. એસઆઈટીએ પીએફઆઈ સાથે જોડાયેલા 70થી 80 લોકોની ઓળખ કરી લીધી છે.

પોલીસનો દાવો છે કે સીએએ વિરોધમાં જામિયા નગર, ન્યૂ ફ્રેન્ડ કોલોની, દરિયાગંજ, સીમાપુરી, દયાલપુરી, નંદનગરી અને જાફરાબાદમાં હિંસક પ્રદર્શન થયા હતા. પોલીસે અલગ અલગ હિંસાઓ મામલે 10 એફઆઈઆર દાખલ કરીને પીએફઆઈ સાથે સંકળાયેલા 102 લોકોની ધરપકડ કરી લીધી છે. સીએએ વિરોધમાં પીએફઆઈની ભૂમિકાની તપાસ માટે એસઆઈટીએ એક અલગથી ટીમ પણ બનાવી હતી.