Uncategorized

ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત રહી ઐતિહાસિક, પ્રથમ વખત કોઈ અમેરિકન રાષ્ટ્રપતિએ લીધી ગાંધીઆશ્રમની મુલાકાત

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત ઐતિહાસિક રહી. લાખો લોકો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં પ્રત્યક્ષ સાક્ષી બન્યા તો સમગ્ર વિશ્વએ મીડિયાના જુદા જુદા માધ્યમોથી આ કાર્યક્રમ લાઈવ નિહાળ્યો. નિર્ધારિત સમય પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ સાડા અગિયાર વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ આવી પહોચ્યા. અહીયા પીએમ નરેન્દ્ર મોદી દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરાયું.

અમદાવાદ એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી યોજાયેલા રોડ શોમાં લોકોએ અમેરિકન રાષ્ટ્રપ્રમુખનું અભિવાદન કર્યુ. ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા અનેક દ્રશ્યો રોડ શોમાં નજરે પડ્યા હતા.

ત્યારબાદ રાષ્ટ્રપતિનો પ્રથમ પડાવ અમદાવાદના ગાંધીઆશ્રમ ખાતે થયો. ગાંધીઆશ્રમમાં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધીજીના ચિત્રને સુતરની આંટી પહેરાવી અને ગાંધીઆશ્રમ વિશે માહિતી મેળવી. બાદમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ અને મેલાનિયા ટ્રમ્પે રેંટિયો વિશે માહિતી મેળવીને રોટિંયો પણ કાંત્યો હતો.

ત્યારબાદ અમેરિકન રાષ્ટ્રપ્રમુખનો કાફલો મોટેરામાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપવા પહોચ્યો. અહી સવા લાખ લોકો સમક્ષ પીએમ  મોદી અને રાષ્ટ્રપતિએ ભારત અમેરિકા વચ્ચેના સંબંધોને એક નવી ઉંચાઈએ લઈ જવા પ્રતિબદ્ધતા દર્શાવી. સંબોધન બાદ બન્ને મહાનુભાવોએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યુ.

મોટેરામાં કાર્યક્રમ પતાવીને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ પરત ફર્યા અને અહીથી આગ્રા જવા રવાના થયા.