તાજા સમાચારદેશ

મધ્યપ્રદેશ કોંગ્રેસમા ઓલ ઈઝ નોટ વેલ, પોસ્ટર અને સોશિયલ મીડિયાના માધ્યમથી કમલનાથ સરકારને જ અરીસો બતાવતા કોંગ્રેસના નેતાઓ

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીની હાલત એક તરફ કૂવો અને બીજી તરફ ખીણ જેવી થઈ ગઈ છે. મધ્યપ્રદેશ કોંગ્રેસમાં સીએમ કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે ઉકળતા ચરુ જેવી સ્થિતિ દિવસેને દિવસે વકરતી જાય છે. પાર્ટીનો આંતરિક ગજગ્રાહ હવે રોડ રસ્તા સુધી પહોંચી ગયો છે. નેતાઓ પણ બે ભાગમાં વિભાજીત થઈ ગયા છે. એક તરફ છે કમલનાથના સમર્થકો તો બીજી તરફ સિંધિયાના સમર્થકો. સિંધિયાના સમર્થકો હવે જાહેરમાં પોસ્ટર લગાવીને મુખ્યપ્રધાન કમલનાથ પર નિશાન તાકી રહ્યા છે. આવા જ એક પોસ્ટરે બન્ને વરિષ્ઠ નેતાઓની લડાઈની આગમાં ઘી હોમવાનું કામ કર્યુ.

  • પોસ્ટરથી કમલનાથ સરકાર પર નિશાન

મધ્યપ્રદેશમાં શિવપુરી કોંગ્રેસ પ્રમુખ શૈલેન્દ્ર ટેંડિયાએ શહેરના માધવચોકમાં સીએમ કમલનાથને ટાર્ગેટ કરીને બેનર લગાવ્યું. જેમાં લખાયુ છે કે એક પદ એક સિદ્ધાંતનો ફોર્મ્યુલા મધ્યપ્રદેશ સરકારને યાદ નથી. પોસ્ટરમાં કમલનાથ, જ્યોતિરાદિત્ય અને રાહુલ ગાંધી સાથે હોય તેવો ફોટો અને તારીખ લખેલી છે. આ ફોટાના માધ્યમથી સવાલ કરાયો છે કે આ ફોટો એ સમયનો છે જ્યારે રાહુલ ગાંધીએ સિંધિયાને કમલનાથને સીએમ બનાવવા માટે મનાવ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખે લખ્યુ કે લાગે છે કે સીએમ કમલનાથ આ ફોટાની મર્યાદા ભૂલી ગયા છે. સિંધિયાને જે કહ્યુ છે તેના પર ફરથી વિચાર કરવામાં આવે. હવે નોબત ત્યાં સુધી આવી ગઈ છે કે સિંધિયા સમર્થિત મંત્રીઓ કમલનાથ સરકારમાંથી રાજીનામું આપવા અંગે વિચારી રહ્યા છે.

  • નવી પાર્ટી બનાવવા કોંગ્રેસ નેતાની સિંધિયાને સલાહ

જાહેરમાં માત્ર એક પોસ્ટર લગાવાયુ છે એવુ નથી ચાર દિવસ પહેલા મધ્યપ્રદેશ મહિલા કોંગ્રેસની મહાસચિવ રૂચિ ઠાકુરે તો સોશિયલ મીડિયાના માધ્યમથી એવો મેસેજ આપ્યો કે સિંધિયાએ માધવરાવ સિંધિયાની પાર્ટી મધ્યપ્રદેશ વિકાસ કોંગ્રેસને ફરીથી બેઠી કરવી જોઈએ અને કાર્યકરો પણ તેમની સાથે જ છે.

  • જરૂર પડ્યે રસ્તા પર ઉતરવાની તૈયારી – સિંધિયા

જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગ્વાલિયરમાં નિવેદન આપ્યું હતુ કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસે કરેલા વાયદાઓ કમલનાથ સરકારે પૂરા કરવા જોઈએ અને જો તેમ નહી થાય તો જરૂર પડ્યે તેઓ રસ્તા પર પણ ઉતરશે.ત્યારે નેતાઓના તેવર જોતા આ વિવાદ હવે અટકે તેવુ લાગતુ નથી. જોકે આ તમામની વચ્ચે મધ્યપ્રદેશની જનતા પરેશાન થઈ રહી છે.