Uncategorized

ટ્રમ્પની મુલાકાત પહેલા ડિમોલિશનનો ઓરિસ્સાનો વીડિયો અમદાવાદના નામે વાઈરલ કરનાર પાટણ કોંગ્રેસના સોશિયલ મીડિયા સેલના પ્રમુખની ધરપકડ

અમદાવાદમાં અમેરિકાના રાષ્ટ્રપતિની મુલાકાત પહેલા ભાજપ સરકારે ગરીબોનું જીવન ધૂળધાણી કરી નાંખ્યુ એવા લખાણ સાથેનો ઓરિસ્સાના ડિમોલિશનનો વીડિયો અમદાવાદનો હોવાનુ બતાવી તેને સોશિયનલ મીડિયા પર મુકનારા પાટણના કોંગ્રેસના નેતા વિનોદ ઠાકોરની અમદાવાદ ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોનિટરિંગ કરી રહેલા ક્રાઈમબ્રાંચના ધ્યાને આ વીડિયો આવ્યો હતો જેમા જેસીબીથી લારીગલ્લા તોડી દબાણ દૂર કરતા કર્મચારીઓ દેખાય છે. જોકે આ વીડિયો અમદાવાદનો નહી પણ ઓરિસ્સાનો હોવાનું તપાસમાં સામે આવ્યું. ટ્રમ્પની મુલાકાત પહેલા આ ફેક વીડિયોના માધ્યમથી લોકોની ઉશ્કેરણી કરવા બદલ વિનોદ ઠાકોર નામના કોંગ્રેસના નેતાની શંખેશ્વરથી ધરપકડ કરાઈ છે. પ્રાથમિક તપાસમાં વિનોદ ઠાકોર પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના સોશિયલ મીડિયા સેલનો પ્રમુખ છે.  ઓરિસ્સાનો વીડિયો અમદાવાદના નામે વાઈરલ કરવા બદલ વિનોદ ઠાકોર વિરુદ્ધ આઈપીસીની કલમ 153 અને 504 હેઠળ ગુનો નોંધાયો છે.