તાજા સમાચારUncategorized

અમદાવાદમાં 1,000 કરોડ રૂપિયાના ખર્ચે માઁ ઉમિંયાનુ વિશ્વનું સૌથી ઉંચુ મંદિર બનશે, વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યુઝીયમ પણ બનશે

અમદાવાદના એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલથી જાસપુર પાસે વિશ્વના સૌથી ઊંચા અને ભવ્ય જગત જનની મા ઉમિયાના મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે. વિશ્વ ઉમિયા ધામ ખાતે 100 વિઘા જમીન અને રૂપિયા 1 હજાર કરોડના ખર્ચે તૈયાર થનારા આ મંદિરનો શિલાન્યાસ સમારોહ આગામી 28-29 ફેબ્રુઆરીના યોજાશે. આગામી પાંચ વર્ષ સુધીમાં તૈયાર થનારા આ મંદિરની ઊંચાઇ 431 ફૂટ હશે અને ગર્ભગૃહમાં 52 ફૂટ ઊંચા સ્થાન પર જગત જનની મા ઉમિયા બિરાજશે.

સંતો- મહંતો સહિત મહાનુભાવો રહેશે હાજર

બે દિવસીય સમારોહમાં બે લાખ કરતાં ભક્તો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત શ્રી શ્રી રવિશંકર, બીએપીએસના મહંત સ્વામી મહારાજ, જગદગુરૂ રામાનંદાચાર્ય સ્વામી રામભદ્રાચાર્યશ્રીજી, અવિચલદાસજી,  જગદગુરૂ શંકરાચાર્ય વિજેન્દ્ર સરસ્વતીજી સહિત 21થી વધુ દિગ્ગજ સંતો-મહંતો-મહામંડલેશ્વરો તેમજ કથાકારો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, પરેશ ધાનાણી, અમિત ચાવડા, પુરૂષોત્તમ રૂપાલા પણ હાજર રહેશે.

28 ફેબ્રુઆરીનો કાર્યક્રમ

શિલાન્યાસ સમારોહ નિમિત્તે 28 ફેબ્રુઆરીએ -શુક્રવારે સવારે 8થી બપોરે 12 દરમિયાન આહુતિ મહાયજ્ઞ- જગત જનની મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા, જગત જનની મા ઉમિયા સાથે ગણપતિ દાદા-બટુકભૈરવની ચલ પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાશે. બપોરે 2 કલાકે 11 હજાર બહેનોની જ્વારા શોભાયાત્રા સાથે મા ગંગાના પવિત્ર જળ ભરેલા 108 કળશનું સ્વાગત-પૂજન કરાશે. સાંજે 4 કલાકે દાતાઓનો અભિવાદન સમારોહ યોજાશે.

29 ફેબ્રુઆરીનો કાર્યક્રમ

29 ફેબ્રુઆરીએ સવારે 8 કલાકે મુખ્ય કૂર્મ શિલા સહિત 9 શિલાઓનું દાતાઓના હસ્તે પૂજન કરાશે. સાંજે 4 કલાકથી શિલાન્યાસ સમારોહનો પ્રારંભ થશે. આયોજન સમિતિના જણાવ્યા પ્રમાણે આ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધી અંદાજે રૂપિયા 375 કરોડનું દાન મળ્યું છે અને 29 ફેબુ્રઆરી સુધીમાં રૂપિયા 500 કરોડ સુધી દાન પહોંચે તેવી સંભાવના છે.