તાજા સમાચારગુજરાત

એલઆરડી ભરતી પ્રક્રિયામાં ગાંધીનગરમાં 72 દિવસથી ચાલતું મહિલાઓનું આંદોલન સમેટાયું

ગાંધીનગરમાં એલઆરડી  ભરતી પ્રક્રિયામાં મહિલા અનામત મુદ્દે છેલ્લા 72 દિવસથી ચાલતા આંદોલનનો સુખદ અંત આવ્યો છે. આંદોલનકારી મહિલાઓએ ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સાથે બેઠક કરી હતી. પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે આંદોલનકારી મહિલાઓ સાથે થયેલી બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં જે રજૂઆત કરાઈ છે તે અંગે સ્પષ્ટતા કરાઈ છે. પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે ગુણવત્તાના આધારે કોઈને અન્યાય ન થાય અને અનામતની નીતિનું પણ પાલન થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમજ સુપર ન્યુમીરીથી એલઆરડી ભરતી પ્રક્રિયામાં મહિલાઓ માટે 2,415 બેઠકો વધુ ઉમેરાઈ છે.

હાઈકોર્ટમાં રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણએ ત્રણ અઠવાડિયામાં ભરતી પ્રક્રિયાનો અમલ શરૂ થશે. મહિલા આંદોલનકારીઓએ  એવી શક્યતા વ્યક્ત કરી હતી કે ભરતી પ્રક્રિયામાં કદાચ કોઈ સ્ટે લાવીને કાયદાકીય અડચણ ઉભી કરી શકે છે. આવી સ્થિતિમાં પણ સરકાર મહિલા ઉમેદવારોની સાથે જ રહેશે તેવુ રાજ્ય સરકારે કમિટમેન્ટ આપ્યું છે. પ્રદિપસિંહ જાડેજા સાથેની બેઠક બાદ મહિલા આંદોલનકારીઓ પોતાનું આંદોલન સમેટી લીધું છે.