Uncategorized

મોટેરામાં વિશ્વના સૌથી મોટા અને અદ્યતન ક્રિકેટ સ્ટેડિયમની વિશિષ્ટતાઓ

નવનિર્મિત મોટેરા સ્ટેડિયમની વિશિષ્ટતાઓ પર નજર કરીએ તો 1,10,000 પ્રેક્ષકોની બેઠક ક્ષમતા સાથે વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ છે. અંદાજે 800 કરોડ રૂપિયાના ખર્ચ સાથે સ્ટેડિયમને નવો અને હાઈટેક લૂક અપાયો છે. હાલ વિશ્વના દરેક ક્રિકેટ સ્ટેડિયમમાં મહત્તમ 2 ડ્રેસિંગ રૂમ હોય છે જેના સ્થાને મોટેરામાં 4 લોકર રૂમ છે. મોટેરામાં મુખ્યગ્રાઉન્ડની સાથે બે નાના ગ્રાઉન્ડ પણ બનશે. આ ઉપરાંત 11 ક્રિકેટ પિચ બનાવાશે જેનાથી ક્રિકેટરને દરેક પિચનો અલગ અલગ એક્સપિરીયન્સ થશે. નેટ પ્રેક્ટિસ માટે મેદાનની બહાર 7 નેટ્સ હશે.

સ્ટેડિયમમાં 3 હજાર કાર અને 10 હજારથી વધુ ટુ વ્હીલર્સ પાર્ક થઈ શકશે. 55 રૂમ ધરાવતો ક્લબ હાઉસ પણ સ્ટેડિયમમાં આકર્ષણનું કેન્દ્ર છે. સ્ટેડિયમમાં ઓલિમ્પિક સાઈઝનો સ્વિમિંગ પૂલ, જીમ્નેશિયમ, જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે. ચાર લેયરવાળા સ્ટેડિયમમાં બે લેયર વચ્ચેના પોડિયમમાં પ્રેક્ષકો માટે નાસ્તા પાણીના સ્ટોલ હશે. અશક્ત અને દિવ્યાંગો માટે ખાસ રેમ્પ બનાવ્યો છે જેના દ્વારા તેઓ સ્ટેડિયમમાં જઈ શકશે. આ ઉપરાંત સ્ટેડિયમમાં લિફ્ટની પણ વ્યવસ્થા કરાઈ છે. સ્ટેડિયમમાં એક મ્યુઝીયમ પણ બનાવાશે જેમા ક્રિકેટ અને ક્રિકેટરને લગતી માહિતી-ફોટો- ખેલાડીઓએ ઉપયોગમાં લીધેલી વસ્તુઓ અને ટ્રોફી હશે.