તાજા સમાચારગુજરાત

રાજ્યમાં ત્રણ નવી મેડિકલ કોલેજોને મંજૂરી, ઈએસઆઈસીની હોસ્પિટલોમાં સામાન્ય નાગરિકનો મળશે સારવારની સુવિધા

  • ગુજરાતમાં વધુ ત્રણ મેડિકલ કોલેજને મંજૂરી
  • રાજપીપળા, નવસારી અને પોરબંદરમાં શરૂ થશે કોલેજો
  • રાજ્યની કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય
  • 325 કરોડના ખર્ચે બનશે મેડિકલ કોલેજ

ગુજરાતમાં વધુ ત્રણ મેડિકલ કોલેજો શરૂ થવા જઈ રહી છે. જે ત્રણે મેડિકલ કોલેજો શરૂ થશે તેમા નર્મદા જિલ્લાના રાજપીપળામાં, નવસારી અને પોરબંદરમાં મેડિકલ કોલેજોને મંજૂરી મળી છે. નર્મદા જિલ્લામાં 325 કરોડના ખર્ચે બનશે જેમાં ભારત સરકાર 195 કરોડ અને રાજ્ય સરકાર તરફથી 130 કરોડ રૂપિયા ફાળવશે. નવસારી અને પોરબંદરમાં પણ 325 કરોડના ખર્ચે 300 બેડ ધરાવતી મેડિકલ કોલેજ આગામી વર્ષથી તૈયાર થાય તે માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. ગાંધીનગરમાં કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે મેડિકલ કોલેજો માટે એમસીઆઈના ધારા ધોરણ મુજબ કામગીરી હાથ ધરાઈ છે. આ જિલ્લાઓમાં મેડિકલ કોલેજ શરૂ થતા મેડિકલની બેઠકો તો વધશે જ સાથે આ વિસ્તારમાં આરોગ્યલક્ષી સેવાઓ વધુ સરળ અને અદ્યતન બનશે.

  • ઈએસઆઈસીની હોસ્પિટલોમા સામાન્ય નાગરિકોને મળશે સારવાર

હવે ઈએસઆઈસીની હોસ્પિટલોમાં પણ માત્ર ઈએસઆઈસીના લાભાર્થીઓ જ નહી પરંતુ સામાન્ય નાગિરકો પણ સારવાર લઈ શકશે તેવી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરાઈ છે. ગુજરાતના ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા મોટા શહેરોમાં સામાન્ય નાગરિકો પણ કામદાર રાજ્ય વીમા યોજનાની હોસ્પિટલોમાં સારવાર લઈ શકશે.  જેનો સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. રાજ્મય 40 શહેરોમાં 80થી વધુ ઈએસઆઈસીના દવાખાનાઓ અને 7 સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો છે. આ તમામમાં સામાન્ય નાગરિકોને પણ આરોગ્ય સેવાઓ મળી રહેશે.

  • ગુજરાતમાં શરૂ થશે ચિલ્ડ્રન યુનિવર્સિટી

આ ઉપરાંત નીતિન પટેલે જાહેરાત કરી કે ગુજરાતમાં ગાંધીનગર પાસે શાહપુરમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી બનાવાશે. જેના માટે રાજ્ય સરકાર વિનામુલ્યે જમીન ફાળવશે અને આગામી બજેટમાં યુનિવર્સિટીના મકાનો અને અન્ય વ્યવસ્થા માટે જોગવાઈ કરાશે. ગુજરાતમાં બાળકોનુ યોગ્ય ઘડતર થાય તે માટે બાળકને અનુરૂપ બાળશિક્ષણ અને માર્ગદર્શન આ યુનિવર્સિટીના માધ્યમથી મળી રહેશે. આ યુનિવર્સિટીમાં બાળ નિર્માણ, બાળ શિક્ષણ, વાલીઓને શિક્ષણ તથા સગર્ભા માતાઓને તંદુરસ્ત બાળકના જન્મ માટે શિક્ષણ પુર પડાશે.