તાજા સમાચારગુજરાત

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વિશ્વકક્ષાનો જંગલ સફારી પાર્ક શરૂ, વાઈલ્ડ લાઈફનો અનુભવ કરવા માટે ઉત્તમ સ્થળ

122views
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાસે જંગલ સફારી પાર્ક શરૂ
  • એક જ સ્થળે દેશ વિદેશના પ્રાણીઓ અને પક્ષીઓને જોવાની તક
  • 375 એકરમાં ફેલાયેલા પાર્કમાં 62 જાતના એક હજારથી વધુ પશુ પક્ષીઓ
  • પ્રવાસીઓ માટે ઈ- કારની સુવિધા

એક પછી એક વિશ્વ વિક્રમો સર્જતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વનો સૌથી મોટો સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક પ્રાયોગિક ધોરણે પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધ વચ્ચે લગભગ 375 એકરમા બનેલા જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ  ઈ – કારમાં બેસીને મુસાફરી કરી શકશે.

  • માત્ર છ મહિનામાં પૂરો થયો પ્રોજેક્ટ

સીએમ વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ વર્લ્ડ ક્લાસ જંગલ સફારી પાર્કનો પ્રોજેક્ટ ગુજરાતના વનવિભાગ દ્વારા માત્ર 6 મહિનામા જ પૂર્ણ કરાયો છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ન્યૂ દિલ્હીની મંજૂરી મળતા હવે પ્રાયોગિક ધોરણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વકક્ષાનો સફારી પાર્ક ખુલ્લો મુકાયો છે.

  • એક જ સ્થળે દેશ વિદેશના પ્રાણીઓ અને પક્ષીઓ

આ પાર્કમાં 62 જાતના કુલ 1000થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓને રખાયા છે. કુલ છ ઝોનમાં દેશ વિદેશના વન્ય પ્રાણીઓ, જળચર પ્રાણીઓ, સરિસૃપો રખાયા છે. ભારત સિવાય સાઉથ આફ્રિકા, સિંગાપુર, નેધરલેન્ડ, જર્મની, ફ્રાન્સ, ઈગ્લેન્ડ, મલેશિયા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી અલગ અલગ પ્રજાતિઓના પ્રાણીઓને અહી રખાયા છે. 375 એકર વિસ્તારમાં ફેલાયેલા આ જંગલમાં 75 એકરમાં જાનવરો માટે ઘાસચારો પણ ઉગાડાયો છે.

  • ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા

પ્રવાસીઓ માટે ટિકિટ મેળવવાનો સમય સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધીનો રહેશે અને સાંજે 6 વાગે ઝૂ બંધ થઈ જશે. પ્રવાસીઓ ટિકિટ ઓનલાઈન બુક કરાવી શકાશે તેમજ અહીયા ટિકિટ બારી પરથી પણ ટિકિટ ખરીદી શકશે.

  • દરરોજ 1000થી 1500 મુસાફરોને એન્ટ્રી

કેવડિયા જંગલ સફારી પાર્કમાં રોજના 1000થી 1500 મુસાફરોને એન્ટ્રી મળશે. પાર્ક શરૂ થતા જ આસપાસના 500 જેટલા આદિવાસીઓને રોજગારી મળી રહેશે. જેને પણ વાઈલ્ડ લાઈફનો અનુભવ કરવો હોય તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાર્કની એક વાર જરૂરથી મુલાકાત લેવી જોઈએ. જેમાં જંગલના અનુભવની સાથે સાથે આસપાસમાં મુક્ત રીતે વિહરતા જંગલી પ્રાણીઓને નજીકથી નિહાળવાનો લ્હાવો મળશે.