Uncategorized

બ્રિટનને પછાડીને ભારત બન્યુ વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતત્ર

ભારતના અથતંત્રને લઈને વધુ એક સારા સમાચાર છે. ભારત હવે વિશ્વની પાંચમી સૌથી મોટી ઈકોનોમી બની ગયુ છે. ભારતે પાંચમાં ક્રમે રહેલા બ્રિટનને પણ પાછળ રાખ્યું છે. વિશ્વના સૌથી મોટા અર્થતંત્રના દેશોના ક્રમમાં ભારત પાંચમાં ક્રમે, બ્રિટન છઠ્ઠા અને ફ્રાન્સનો સાતમો ક્રમ છે. અમેરિકા સ્થિત થિન્ક ટેન્ક વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુએ તેના રિપોર્ટમાં જણાવ્યું કે ભારતની ઓપન માર્કેટ પોલિસીના લીધે ભારતનો ગ્રોથ ઝડપથી થઈ રહ્યો છે. વર્ષ 2019માં કુલ 2.94 ટ્રિલિયન ડોલર સાથે ભારત વિશ્વમાં પાંચમી સૌથી મોટી ઈકોનોમી બન્યું છે. જ્યારે બ્રિટનના અર્થતંત્રનું કદ 2.83 ટ્રિલિયન ડોલર અને ફ્રાન્સના અર્થતંત્રનું  કદ 2.71 ટ્રિલિયન ડોલર છે.

રિપોર્ટમાં વધુમાં જણાવાયુ છે કે પર્ચેસિંગ પાવર પેરિટી(પીપીપી) પ્રમાણે ભારતની જીડીપી 10.51 ટ્રિલિયન ડોલરની થાય છે જે જાપાન અને જર્મની કરતા પણ વધારે છે. જોકે ભારતની વસ્તીને ધ્યાનમાં લેતા દેશનો જીડીપી પર કેપિટા 2,170 ડોલર થાય છે. ભારત સરકારની ઉદ્યોગલક્ષી નીતિ, ઈન્વેસ્ટમેન્ટ અંગે વિદેશી રોકાણકારોનો વધતો વિશ્વાસ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસનો માહોલ જેવા પરિબળઓને લઈને વિકાસ ઝડપી બન્યો છે.

રિપોર્ટમાં એમ પણ જણાવાયુ છે કે ભારતનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ વિશ્વમાં સૌથી ઝડપથી થઈ રહ્યો છે. જીડીપીમાં તેનું 60 ટકા અને રોજગારીમાં 28 ટકા યોગદાન છે. જ્યારે મેન્યુફેકચરિંગ અને એગ્રિકલ્ચર સેક્ટર પણ ઈકોનોમીને બુસ્ટ કરવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. અમેરિકા સ્થિત વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુ એ એક સ્વાયત્ત સંસ્થા છે અને તેમાં કોઈ રાજકીય હસ્તક્ષેપ નથી.