Uncategorized

ફેબેક્સામાં અમદાવાદના વેપારીઓને ચાર મહિનાન ઓર્ડર મળી ગયા, ટેક્સટાઈલ ઉદ્યોગમાં તેજી

  • કાપડ ઉદ્યોગને વેગવંતો બનાવવા પ્રયાસ
  • સરકારની મદદથી અમદાવાદથી જ માલની સીધી નિકાસ થઈ શકશે
  • ઈન્ટરનેશનલ ફેરમાં હવેથી ફેબેક્સાનું પેવેલિયન રાખવાનો નિર્યણ
  • અમદાવાદના વેપારીઓને ચાર મહિનાના ઓર્ડર મળ્યા

દેશના ટેક્સટાઈલ ઉદ્યોગને ટક્કર આપતું ચીન આજે કોરોના વાયરસના કહેરમાં ફસાયુ હોવાથી અમદાવાદના ટેક્સટાઈલ ઉદ્યોગ પર તેની પોઝીટીવ અસર જોવા મળી રહી છે. ચીનની નિકાસ બંધ  થતા અમદાવાદના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ડિમાન્ડ નિકળી છે. આવી સ્થિતિમાં અમદાવાદના કાપડના વેપારીઓને વૈશ્વિક ઓળખ મળે તે માટે દૂનિયાના કોઈ પણ ખૂણે ટેક્સટાઈલ ફેર યોજાય તો તેમા ફેબેક્સા એટલે કે ફેબ્રિક સોર્સિગ એક્સપોનું પેવેલિયન રાખવાનો નિર્ણય સરકાર દ્વારા કરાયો છે. તેમજ સરકારની મદદથી કાપડની નિકાસ સીધી જ અમદાવાદથી જ થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે.

અમદાવાદના કાપડ ઉદ્યોગથી દેશ અને દૂનિયાના લોકો માહિતગાર થાય તે માટે ફેબેક્સાનું આયોજન કરાયું છે. આયોજકોના મતે છેલ્લા ફેબેક્સામાં વેપારીઓને 2500 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા હતા જ્યારે આ વર્ષે ગાંધીનગરના હેલિપેડ ખાતે યોજાયેલા ફેબેક્સામાં તેનાથી વધુ ઓર્ડર મળતા બજારમાં તેજી જોવા મળી રહી છે. કાપડના વેપારીઓને મોટાપાયે સમર કલેક્શનના ઓર્ડર મળ્યા છે, દેશની તમામ મોટી બ્રાન્ડ દ્વારા ખાસ ઓર્ડર પણ અપાયા છે. જેનાથી પ્રોસેસ હાઉસો પણ ધમધમતા થયા છે. એટલું જ નહી કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ ઉદ્યોગોને આનાથી વેગ મળ્યો છે.

આ ઉપરાંત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ટેક્સટાઈલ ઉદ્યોગને યોગ્ય સહાયની ખાતરી આપતા ઉદ્યોગકારોનો ઉત્સાહ પણ વઘ્યો છે. ફેબેક્સામાં સૌથી મહત્વના ઉઘરાણીના મુદ્દે ખાસ ઠરાવો થયા હતા. તમામ મોટા શહેરોના કાપડ મહાજનના અગ્રણીઓની ઉપસ્થિતિમાં નક્કી કરાયુ કે જો અમદાવાદના વેપારીઓની મુંબઈમાં ઉઘરાણી અટકી હોય તો મુંબઈ કાપડ મહાજન મદદ કરે તેવી જ રીતે અમદાવાદમાં તકલીફો હોય તો અમદાવાદનું કાપડ મહાજન મદદરૂપ થાય.

હાલ કોરોના વાઈરસને પગલે ચીનથી કાપડની કોઈ જ નિકાસ થતી નથી. આ સ્થિતિમાં દૂનિયાના બજારોને અમદાવાદનો એક વિકલ્પ મળી રહે તેના માટે દૂનિયાના કોઈ પણ સ્થળે ટેક્સટાઈલ ફેર થાય તો ફેબેક્સાનું પેવેલિયન રાખવાનો નિર્ણય કરાયો છે. જેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવાઈ છે.