તાજા સમાચારગુજરાત

આદિવાસીઓના ઘરમાં રાત્રિ રોકાણ સાથે મકાઈના રોટલા, રીંગણ બટાકાના શાકની લિજ્જત માણો

  • સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે યોજના
  • ઓન લાઈન બુકિંગની સુવિધા
  • કેવડિયાની આસપાસના 20 ગામોમાં રાત્રિ રોકાણની વ્યવસ્થા
  • આદિવાસી સંસ્કૃતિને નજીકથી જોવાનો લ્હાવો

વિશ્વની આઠમી અજાયબી ગણાતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા પ્રવાસીઓને હવે આદિવાસી સંસ્કૃતિને નજીકથી માણવાની તક મળશે. આદિવાસીઓના ઘરમાં રાત્રિ રોકાણ અને મકાઈ રોટલા અને રીંગણ બટાકા અને દાણાના શાકની લિજ્જત માળવા મળશે. ગુજરાતના પ્રવાસન વિભાગે હોમ સ્ટે પ્રોજેક્ટ હેઠળ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા અમદલા, ઝુંડાથી વાડી ઝરિયા સુધી પ્રવાસીઓ માટે 20 ગામોના 87 ઘરોમાં 158 રૂમ તૈયાર કરાયા છે.

હોમ સ્ટે પ્રોજેક્ટની ખાસિયત

કેવડિયાની આસપાસના ગામોમાં હોમ સ્ટે પ્રોજેક્ટ હેઠળ સર્વે કરીને 116 આદિવાસી પરિવારોની પસંદગી કરાઈ છે. આ યોજનામાં કુલ 250 આદિવાસીઓને આવરી લેવાયા છે. અહી ઓએનજીસી સહિતની સંસ્થાઓએ CSR હેઠળ ભંડોળ ફાળવ્યું છે. આ રકમના ઉપયોગથી આદિવાસી વિસ્તારમાં આશરે બેથી અઢી લાખના ખર્ચે પ્રવાસીઓ માટે અલાયદા રૂમ, બાથરૂમ જેવી સુવિધાઓ ઉભી કરાઈ છે. પ્રવાસીઓની આગતા સ્વાગતા માટે આદિવાસીઓને જરૂરી તાલીમ પણ અપાઈ છે. અહી પ્રવાસીઓ બે ત્રણ દિવસ રોકાણ કરી શકે અને સ્થાનિકોને રોજગારી મળે તે હેતુથી રાજ્યના પ્રવાસન વિભાગે હોમ સ્ટે પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

ઓનલાઈન બુકિંગની સુવિધા

આ પ્રોજેક્ટ અંતર્ગત આદિવાસીઓના ઘરોમાં તેમની પરંપરાગત શૈલીથી બનાવેલા રૂમ તૈયાર કરાયા છે. પ્રવાસન વિભાગે લાભાર્થી આદિવાસીઓની યાદી તેમના નામ અને મોબાઈલ નંબર સાથે પ્રવાસ વિભાગની વેબસાઈટ પર મુકી છે. પ્રવાસીઓ વેબસાઈટ પર તેમના પસંદગીના ગામમાં ઓનલાઈન બુકિંગ પણ કરી શકશે. આ ઉપરાંત પ્રવાસીઓ જેમના યજમાન બનવા માંગે તેમના નામ – નંબર મેળવી વાતચીત પણ કરી શકશે.

એક દિન તો ગુજારિયે આદિવાસી કે ઘર મેં..

જોકે આ પ્રોજેક્ટ અંગે મોટાભાગના પ્રવાસીઓને આ પ્રોજેક્ટ અંગે જાણકારી નથી. જેથી આદિવાસીઓના ઘરોમાં નહીવત લોકો રાત્રિરોકાણ કરી રહ્યા છે. એટલે જ આદિવાસીઓ પ્રવાસીઓને કહી રહ્યા છે કે એક દિન તો ગુજારિયે હમારે ઘર મે.. મહત્વનું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક વર્ષમાં 40 લાખ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે. અહી પ્રતિદિન સરેરાશ 10થી 15 હજાર પ્રવાસીઓ આવી રહ્યા છે.