Uncategorized

યુપીમાં સત્તાના પાવરથી વંચિત માયાવતીને ઝટકો, મહિનાઓથી બાકી લાઈટ બિલ નહી ભરતા ઘરનું વીજ કનેક્શન કપાયું

107views

બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીના હાથમાંથી સત્તાનો પાવર તો 2012થી જતો રહ્યો છે પરંતુ હવે તેમના ઘરનો પાવર પણ જતો રહ્યો. માયાવતીના ઘરનું લાઈટબીલ અનેક મહિનાઓથી બાકી હતુ અને નોટિસો બાદ પણ ચૂકવણી ન થતા તેમના ઘરનું વીજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યું છે. યુપીના પૂર્વ મુખ્યપ્રધાન માયાવતીના ગ્રેટર નોઈડાના બાદલપુર સ્થિત નિવાસસ્થાને વીજ કંપનીએ આ કાર્યવાહી કરી છે.

માયાવતીના મકાનનું 67,000 રૂપિયાનું વીજ બિલ બાકી હતુ. વીજળી વિભાગના પ્રવક્તાના મતે આ એક રૂટિન પ્રક્રિયા છે જેઓ બિલ નથી ભરતા તેમના ઘરનું વીજ કનેક્શન કાપી લેવામાં આવે છે. લખનૌમાં વીજળી વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે માયાવતીના ઘરનું વીજ કનેક્શન કાપવાને રાજનીતિ સાથે કંઈ લેવા દેવા નથી. જે પણ જગ્યાએ મહિનાઓથી બિલ બાકી હોય ત્યાં આવી જ રીતે કાર્યવાહી થાય છે. જોકે બાદમાં માયાવતીના પરિવારજનોએ વીજ બિલની બાકી રહેતી રકમ ભરી દેતા વીજ કનેક્શન ફરી ચાલુ કરી દેવાયું હતુ.