Uncategorized

જાણો રાજ્યસભાના 250 માં સત્રમાં શું કહ્યું પીએમ મોદીએ

જાણો રાજ્યસભાના 250 માં સત્રમાં શું કહ્યું પીએમ મોદીએ

આજ રોજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું છે, જેમાં કુલ 27 જેટલા બિલો રજૂ કરવામાં આવવાના છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના 250 માં સત્રને સંબોધન કરતા કહ્યું કે, વિવિધતામાં એકતાનું જે સુત્ર છે, તેની સૌથી મોટી તાકાત ગૃહમાં જોવા મળી રહી છે. આજે માત્ર 250 સત્ર પૂર્ણ થયા તેમ નથી. આ સત્રો તો ભારતની વિકાસ યાત્રાનું પ્રતિબિંબ દર્શાવે છે.

સંસદનું શિયાળુ સત્ર શરૂ થતાં પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગૃહમાં ખરડા પસાર કરવા માટે ટ્રેઝરી બેંચને જ શ્રેય આપવામાં ન આવે. બધા સાંસદો દરેક કાયદાકીય કાર્યનાં શ્રેયનાં હકદાક હોય છે. આ સંદર્ભે ચોમાસુ સત્ર અભૂતપૂર્વ રહ્યું છે, જેના માટે આખું ગૃહ અભિનંદનનું પાત્ર છે. તેમણે કહ્યું કે, વર્ષ 2019 નું આ છેલ્લું સત્ર છે, જેને અભૂતપૂર્વ બનાવવા માટે એક સાથે આવવું પડશે. આ સત્ર ખૂબ મહત્વનું છે, કારણ કે તે રાજ્યસભાનું 250 મું સત્ર પણ છે. તેનું મહત્વ સમજીને, સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે.

  •  શું કહ્યું વડાપ્રધાને ?
  1. પીએમ મોદીએ કહ્યું, ‘ગૃહના બે પાસા ખાસ છે. એક સ્થિરતા અને બીજુ વિવિધતા છે. આ સંસદમાં લોકો આવે છે, જાય છે પરંતુ સંસદમાં સ્થિરતા રહે છે. અને આવા જ ક્ષણો ભારતના બંધારણની આત્માને પ્રેરણા આપે છે.
  2. ભારતની વિવિધતામાં એકતાનું જે સુત્ર છે, તેની સૌથી મોટી શક્તિ ગૃહમાં જોવા મળે છે.
  3. અગાઉ પણ આ ગૃહ દેશને દિશા આપવાનું કામ કરી ચૂક્યું છે. ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે અને આપણે રાષ્ટ્રીય દૃષ્ટિકોણની દૃષ્ટિ ગુમાવવાની જરૂર નથી. કારણ કે, રાજ્યસભા આપણને આ રાષ્ટ્રીય દૃષ્ટિકોણ આપે છે.
  4. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ વિહારી વાજપેયીએ 2003 માં રાજ્યસભાના 200 માં સત્ર દરમિયાન કહ્યું હતું કે, કોઈએ આપણા બીજા ગૃહને ગૌણ ગૃહ(સેકેંડરી હાઉસ) બનાવવાનો પ્રયાસ ન કરવો જોઇએ. આપણે પ્રયત્નો કરવા જોઇએ કે, આ સંસદ ક્યારેય ગૌણ ગૃહ બને નહી.
  5. આપણા દેશમાં એક લાંબા કાર્યકાળ સુધી વિપક્ષ જેવું કશું ન હતું, અને તે સમયે સત્તામાં બેઠેલા લોકોએ તેનો લાભ પણ ઉઠાવ્યો હતો. પરંતુ તે પછી પણ ગૃહમાં અનુભવી લોકો જે પ્રમણે શાસન પ્રણાલીમાં પોતાનું યોગદાન આપ્યું તે આપણા માટે યાદગાર ક્ષણો છે.
  6. રાજ્યસભાનો ફાયદો એ છે કે, અહિંયા વૈજ્ઞાનિકો, કલાકારો અને રમતવીરો જેવા ઘણા લોકો છે, જે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા નથી. જેનું સૌથી મોટું ઉદાહરણ બાબા સાહેબ આંબેડકર છે. તે લોકસભા માટે ચૂંટાઈ ન શક્યા, પરંતુ તેઓ રાજ્યસભા સુધી પહોંચ્યા હતા. ત્યારે બાબાસાહેબ આંબેડકરના અનેક પ્રયાસોના કારણે આજે દેશને ઘણું પ્રાપ્ત થયું.