તાજા સમાચારદેશ

દેશના 47માં ચીફ જસ્ટીસ તરીકે શરદ અરવિંદ બોબડેએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ગ્રહણ કર્યા શપથ

164views

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ આજે દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કર્યા. તેમણે 17 નવેમ્બરે મુખ્ય ન્યાયાધીશ પદેથી નિવૃત્તિ થયેલા જસ્ટિસ રંજન ગોગોઈનું સ્થાન લીધુ. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ બોબડેને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા.

આ પ્રસંગે ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, પીએમ નરેન્દ્ર મોદી, કેબિનેટના પ્રધાનો, પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહ સહિત અનેક ગણમાન્ય હસ્તીઓ હાજર રહી. શપથગ્રહણ કર્યા બાદ જસ્સિટ બોબડેએ પોતાની માતાના આશીર્વાદ લીધા. 63 વર્ષીય જસ્ટિસ બોબડેનો કાર્યકાળ 17 મહિનાનો હશે અને તેઓ 23 એપ્રિલ 2021ના દિવસે સેવા નિવૃત્ત થશે.

24 એપ્રિલ 1956ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં જન્મેલા બોબડેએ નાગપુર યુનિવર્સિટીમાંથી બીએ અને એલએલબીની ડિગ્રી મેળવી છે. ત્યાર બાદ 1978માં તેઓ કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્રમાં જોડાયા..બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં કાયદાની પ્રેક્ટિસ કરી અને બાદમાં 1988માં વરિષ્ઠ વકીલ બન્યા. જસ્ટિસ બોબડેએ વર્ષ 2000માં એડિશનલ જજ તરીકેનો પદભાર સંભાળ્યો ત્યારબાદ તેઓ મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા. 12 એપ્રિલ 2013થી તેમની બઢતી થતા તેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યા.

અયોધ્યા ઉપરાત દેશમાટે લેવાયેલા અનેક ઐતિકાસિક ચુકાદાઓનો જસ્ટિસ બોબડે હિસ્સો રહ્યા છે. જેમાં આધારકાર્ડ, અને દિલ્હી એનસીઆરમાં ફટાકડા પર પ્રતિબંધ પણ સામેલ છે. જસ્ટિસ બોબડે એ ત્રણ સભ્યોની ઈન હાઉસ તપાસ સમિતિના અધ્યક્ષ હતા. આ સમિતિએ પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઈ પર એક મહિલાકર્મી દ્વારા શારિરીક શોષણના લગાવાયેલા આરોપોની તપાસ કરી હતી. આ સમિતિએ બાદમાં પૂર્વ સીજેઆઈ જસ્ટિસ ગોગોઈને ક્લીનચીટ આપી હતી.