Uncategorized

તલાટીકાકાના 25 વર્ષની મૌનની બાધા પુરી થઇ….

તલાટીકાકાના 25 વર્ષની મૌનની બાધા પુરી થઇ....
દેશમાં વર્ષો સુધી ચાલી રહેલા અયોધ્યા વિવાદનો અંત આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ વિવાદનો અંત એ પ્રકારે આવ્યો છે કે જેમાં કોઇની હાર કે જીત નથી, બલ્કે બધાની આસ્થા અને લાગણીઓનો વિજય થયો છે.
સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક ચુકાદા બાદ દેશવાસીઓએ આ નિર્ણયને સ્વિકાર્યો છે. ત્યારે આ નિર્ણય બાદ ગુજરાત પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ એક એવા વ્યક્તિની યાદોને તાજી કરી છે જેણે રામ મંદિરના વિવાદના અંત માટે મૌન રહીને ખુબ જ મહત્વનું યોગદાન આપ્યું છે અને તેમનું નામ છે સ્વ.રમેશભાઈ તલાટી- એટલે કે તલાટીકાકા.
તલાટીકાકા એટલે એક એવું વ્યક્તિત્વ કે જેણે નિસ્વાર્થ ભાવે રામ મંદિરના વિવાદનો અંત લાવવા માટે આશરે 25 વર્ષ સુધી મૌન રહેવાની બાધા લીધેલી. અને જ્યારે તલાટીકાકાની આ વાતની જાણ પ્રદેશ કાર્યાલયમાંથી જનક પુરોહિતને થઇ એટલે તે તલાટીકાકાને સુરતથી ખાડિયા ભાજપ કાર્યાલય ખાતે લઈ આવ્યા અને અમદાવાદ આવતાની સાથે જ તલાટીકાકાએ રામ મંદિરના નિર્માણ માટે પોતાનો પ્રેમ દર્શાવતા નહેરુબ્રીજ પર મોટા અક્ષરે જયશ્રી રામ લખ્યું. ત્યારબાદ તલાટીકાકા ભાજપ ખાનપુર કાર્યાલય રહીને પક્ષ માટે વોલ પેઈન્ટીંગ કરતાં અને ભાજપના સૂત્રો દીવાલો પર ચીતરવાનું, બેનરો બનાવવાનું કામ કરતા.
મૌન રહેવાની બાધા લીધેલી હોવા કારણે તલાટીકાકા હાલના વડાપ્રધાન અને તે સમયના પ્રદેશ મહામંત્રી નરેન્દ્રભાઈ મોદીને કાગળમાં રામમંદીર ક્યારે બનશે? તેવું લખી વાતો કરતા હતા અને ત્યારે નરેન્દ્રભાઈ જવાબમાં કહેતાં, ‘ભગવાન શ્રીરામ પર શ્રધ્ધા રાખો અને ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખો, તલાટીજી. રામમંદિર ચોક્કસ બનશે.’
તલાટીકાકાના 25 વર્ષની મૌનની બાધા પુરી થઇ....
આજે રામ જન્મભૂમિનો ચુકાદો આવી ગયો  છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ સાથેનો તલાટીકાકાનો આ ફોટો જોઇને લાગી રહ્યુ છે કે, જાણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ એમને કહી રહ્યા હોય કે, ‘જોયું, મેં કહ્યું હતું ને કે શ્રધ્ધા રાખો, વિશ્વાસ રાખો તલાટીકાકા, રામમંદીર બનશે જ..’