Uncategorized

વિશ્વનું સૌ પ્રથમ સીએનજી પોર્ટ ટર્મિનલ ગુજરાતમાં, ભાવનગરને લાગી લોટરી

વિશ્વનું સૌ પ્રથમ સીએનજી પોર્ટ ટર્મિનલ ગુજરાતમાં, ભાવનગરને લાગી લોટરી

તમામ ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે દેશનું જ નહી પરંતુ વિશ્વનું સૌ પ્રથમ સીએનજી પોર્ટ ટર્મિનલ ગુજરાતમાં બનવા જઈ રહ્યુ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એજીઆઈડીબીના અધ્યક્ષ તરીકે સીએનજી પોર્ટ ટર્મિનલની દરખાસ્તને અને ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોર્ડની મંજૂરી આપી દીધી છે..

ભાવનગર બંદર ખાતે આગામી વર્ષોમાં 1900 કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વનું સૌ પ્રથમ સીએનજી ટર્મિનલ પોર્ટ બનશે.. આ સાથે જ ભાવનગરની જાહોજહાલીમાં ચાર ચાંદ લાગી જશે..બ્રિટનની ફોરસાઈટ અને મુંબઈની પદમનાભ મફતલાલ ગ્રુપ દ્વારા આ પ્રોજેક્ટ માટે 1900 કરોડ રૂપિયાનુ ઈન્વેસ્ટમેન્ટ કરાશે. મહત્વનું છે કે વાયબ્રન્ટ સમિટ 2019માં જીએમબી અને લંડનની ફોરસાઈટ ગ્રુપ વચ્ચે ટર્મિનલ સ્થાપવા માટે એમઓયુ થયા હતા.

હવે ભાવનગર બંદરની ઉત્તરે આવેલા બંદરો પર સુવિધાઓમાં આમૂલ પરિવર્તન આવશે. જેમાં ખાસ કરીને પોર્ટ બેઝીન માટેની ચેનલ, ડ્રેજીગ,  બે લોકગેટ, કિનારા પર સીએનજી પરિવહન માટેનું માળખું જેવી સુવિધાઓ ઉભી થશે..આ પ્રોજેક્ટના ભાગ રૂપે કાર્ગો વહન માટે રો- રો ટર્મિનલ, લિક્વીડ ટર્મિનસ અને કન્ટેનર ટર્મિનલ પણ ડેવલોપ કરાશે.

ભાવનગર બંદરની હાલ કાર્ગો વહનની વાર્ષિક ક્ષમતા 3 મિલીયન મેટ્રીક ટન છે જે નવા સીએનજી પોર્ટ ટર્મિનલની સ્થાપના બાદ ત્રણ ગણી વધીને 9 મેટ્રીક ટનની થઈ જશે.