તાજા સમાચારદેશ

વધી વાયુસેનાની શક્તિ, રાજનાથ સિંહે વધાવ્યું પ્રથમ રફાલ

આ દશેરા ભારતીય વાયુસેના માટે ઐતિહાસિક રહી..એક તરફ વાયુસેનાનો સ્થાપના દિવસ અને બીજી તરફ વાયુસેનાની શક્તિમાં વધારો કરતુ ફાઈટર પ્લેન રફાલ. ફ્રાન્સની યાત્રાએ ગયેલા સંરક્ષણ પ્રધાને રાજનાથ સિંહને પ્રથમ રફાલ વિમાન સુપત્ર કરાયુ.

વિમાન સોંપણીની વિધી દસોલ એવિએશનના મેરિનેકમાં આવેલા કારખાનામાં થઈ. રાજનાથ સિંહે રફાલની કોકપીટ પર સૌથી પહેલા કંકુ વડે ઓમ લખ્યો વિમાન પર પુષ્પ અને નાળિયેર ચઢાવ્યા. જ્યારે વિમાનના લેન્ડિંગ ગિયર (પૈડાં) પાસે લિંબુ મુક્યાં હતા. ભારતીય પરંપરા પ્રમાણે દશેરાના દિવસે શસ્ત્રપૂજા થાય છે ત્યારે ફ્રાન્સમાં પણ ભારતને મળી રહેલા આ અતી ઘાતક શસ્ત્ર રફાલની પૂજા કરાઈ.

આ પ્રસંગે રાજનાથ સિંહે કહ્યું કે ફ્રેન્ચમાં રફાલનો અર્થ આંધી થાય છે. એટલે કે આ વિમાન પણ આંધી જેવુ કામ કરશે. તેમણે ઉમેર્યુ કે રાફાલ વિમાન કોઈ આક્રમક વલણ અખત્યાર કરવા માટે નથી પરંતુ ભારતીય વાયુસીમાની રક્ષા માટે ખરીદાયુ છે. એટલે કે રફાલનો રોલ આક્રમક નથી, સંરક્ષણાત્મક છે. વિમાનની શસ્ત્રપૂજા પછી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેમા30 મિનિટની ટૂંકી ઉડાન ભરી હતી. ઊડાન વખતે રાજનાથ સિંહે કહ્યું કે ભારતીય વાયુસેના દુનિયામાં ચોથી મોટી વાયુસેના છે. એમાં પણ ‘મિડિયમ મલ્ટી રોલર કોમ્બેક્ટ એરક્રાફ્ટ (એમએમઆરસીએ)’ રફાલના સમાવેશ પછી વાયુસેના વધારે શક્તિશાળી બની જશે.

ફ્રાન્સના રક્ષા મંત્રી ફ્લોરેન્સે કહ્યું હતું કે વિજયાદશમીના આ પ્રસંગે વિમાન આપતા આનંદ થાય છે. આ વિમાનો ખાસ ભારતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયા છે. આ સોદાથી બન્ને દેશ વચ્ચેના સબંધો પણ મજબૂત થશે.

ભારતે ફ્રાન્સ પાસેથી 36 રફાલ ફાઈટર જેટ ખરીદવાનો સોદો કર્યો છે. એ પૈકીનું પ્રથમ વિમાન ફ્રાન્સમાં જ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને સોપાયુ છે. પરંતુ પ્રથમ ચાર વિમાન ભારતને મે-2020માં મળશે. જ્યારે તમામ 36 વિમાનો સપ્ટેમ્બર 2022 સુધીમાં ભારતને મળી જાય એવી શક્યતા છે.