તાજા સમાચારદેશ

ભારતીય સેનાનું સાહસ, ચીનને વળ્યો પરસેવો

ભારતીય સેનાએ 14,000 ફૂટની ઉંચાઈ પર અરૂણાચલ પ્રદેશમાં ચીન વિરુદ્ધની નવી યુદ્ધ રણનીતિનો અભ્યાસ કર્યો. અરૂણાચલ પ્રદેશમાં ભારતીય સેનાનો આ સૌથી મોટો પહાડી યુદ્ધાભ્યાસ છે જેને હિમ વિજય નામ અપાયું છે. ભારતીય સેનાના યુદ્ધાભ્યાસથી ચીનની ઉંઘ ઉડી ગઈ છે. મહત્વનું છે કે પૂર્વાત્તર રાજ્યમાં ભારતીય સેનાની આવા પ્રકારની પહેલી કવાયત છે.

ભારતીય સેનાનો આ યુદ્ધાભ્યાસ લાઈન ઓફ કંટ્રોલથી 100 કિલોમીટર દૂર 14,000 ફૂટની ઉંચાઈ પર થઈ રહ્યો છે. 3 સમૂહમાં થઈ રહેલા આ યુદ્ધાભ્યાસના  પ્રત્યેક સમૂહમાં 4 હજાર સૈનિકો સામેલ છે. 25 ઓક્ટોબરે સમાપ્ત થઈ રહેલો યુદ્ધાભ્યાસ તવાંગની પાસે અરૂણાચલ પ્રદેશમાં અનેક તબક્કામાં થઈ રહ્યો છે.

ચીન અરૂણાચલ પ્રદેશના એક મોટા હિસ્સાને દક્ષિણ તિબેટનો હિસ્સો ગણી રહ્યુ છે પરંતુ ભારત ચીનના આ દાવાનું સરેઆમ ખંડન કરે છે. ચીન પોતાના દાવાને લઈને ભારતના યુદ્ધાભ્યાસનો વિરોધ કરી રહ્યું છે. આ પહેલા ભારતીય સેના અને ચીની સેના વચ્ચે ડોકલામને લઈને વિવાદ સર્જાયો હતો જે વિવાદ 73 દિવસ સુધી ચાલ્યો હતો પરંતુ બાદમાં ચીનને પીછેહઠ કરવી પડી હતી.