તાજા સમાચારFeatured|ગુજરાતગુજરાત

વોટર મેનેજમેન્ટ ઈન્ડેક્ષમાં ગુજરાત સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમે, સફળ રહ્યું સુજલામ સુફલામ જળ અભિયાન


રાજ્યમાં કુદરતી પાણીના સ્ત્રોત ઉંચા આવે તેમજ વરસાદી પાણીના જળસંચય વધુને વધુ થાય તેનો લાભ નાગરિકો અને લાખો ખેડૂતોને થાય તે આશયથી હાથ ધરાયેલ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનને વ્યાપક જન પ્રતિસાદ મળ્યો છે. સાથે જ ચાલુ વર્ષે પણ મેઘરાજાની મહેર થતાં લગભગ ૯૫ ટકા જેટલો વરસાદ રાજ્યમાં થઇ ગયો છે.  ત્યારે રાજ્ય સરકારની દીર્ઘદ્રષ્ટિ અને આયોજનના પરિણામે આ અભિયાન હેઠળ જે તળાવો ઊંડા કરાયા હતા અને ચેકડેમનું ડિસીલ્ટીંગ કર્યુ હતું એ પૈકી મોટાભાગના તળાવો-ચેકડેમમાં નવો જળસંગ્રહ થયો છે. તેના લીધે  5 થી 7 ફુટ જેટલા ભુગર્ભ જળ સ્તર ઉંચા આવ્યા છે.

છેલ્લા બે દાયકામાં ગુજરાતે તમામ ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે. વિકાસનો મૂળભૂત આધાર પાણી છે ત્યારે સર્વાંગી વિકાસ માટે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય અને જળસંચય ક્ષમતામાં વધારો કરી રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાનું આ એક ઐતિહાસિક જનઆંદોલન બન્યુ છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી જણાવ્યું કે, ગુજરાતની આ જળક્રાંતિની પ્રસંશા નીતિ આયોગે કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષની સકસેસ સ્ટોરીમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો સમાવેશ કરતા તેનો ગૌરવ છે. નીતિ આયોગના કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં સતત ત્રીજા વર્ષે ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે તેમાં આ જળ અભિયાનની ભૂમિકા મહત્વપૂર્ણ છે.

સફળ સુજલામ સુફલામ જળ અભિયાન-

  • જનભાગીદારીથી યોજાયેલ આ અભિયાનમાં છેલ્લા બે વર્ષમાં જળ સંગ્રહ ક્ષમતામાં 23,553 લાખ ઘનફૂટ વધારો અને ભૂગર્ભ જળ સ્તરમાં 5 થી 7 ફૂટનો વધારો થયો.
  • રાજ્યના 33 જિલ્લાઓમાં 12,279 તળાવો ઉંડા કરાયા અને 9,700 તળાવો વરસાદી પાણીથી ભરાઇ ગયા છે.
  • 5,775 ચેકડેમોનું ડિસીલ્ટીંગ અને 4,600 ચેકડેમ સંપૂર્ણ ભરાયા
  • રાજયભરમાં જળસંગ્રહ માટેના 30,416 કામો પૂર્ણ થયા, જ્યારે ૧૦૦ લાખ માનવદિન રોજગારી ઉત્પન્ન થઇ.
  • ૧૪ હજારથી વધુ ગામોમાં કૂવાના પાણીના તળ ઉંચા આવ્યા અને ઘરગથ્થું પાણી વપરાશ, ઢોર ઢાંખરની પાણીની સમસ્યા હલ થઇ છે.