Uncategorized

વિજયભાઈ રૂપાણીનાં મુખ્યમંત્રી તરીકેનાં ત્રણ વર્ષ કાર્યકાળમાં સમગ્ર દેશમાં ગુજરાત બન્યું નંબર એક, અવવ્લ અને અગ્રેસર

287views

પારદર્શક, નિર્ણાયક, સંવેદનશીલ અને પ્રગતિશીલ સરકારના 1100 સુવર્ણ દિવસો

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગુજરાતનું સુકાન સંભાળે આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતના આ બંને સુકાનીઓને ગુજરાતીઓની એક મોટી અપેક્ષાની કસોટી પર ખરા ઉતરવાનો મોટો પડકાર હતો. વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્ત્વ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જે સિમાચિહ્નો સ્થાપિત કર્યા હતા તેને જાળવી રાખવાનું કઠીન કાર્ય આ ત્રણ વર્ષમાં પૂર્ણ કર્યું છે.

ગુજરાત સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં પારદર્શક, નિર્ણાયક, સંવેદનશીલ અને પ્રગતિશીલ કાર્યો કર્યા છે. સમાજના દરેક વર્ગને આવરી લેતા કેટલાક નિર્ણયો પણ કર્યા છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ સાંભળ્યાના પ્રથમ 100 દિવસોમાં 150 જેટલા ત્વરિત નિર્ણયો લીધા હતા.

સરકારનું કાર્ય પારદર્શક રહે તે માટે સરકારની મોટાભાગની સેવાઓને ઓનલાઈન કરી દેવામાં આવી છે. NA લેવા માટે સામાન્ય લોકોને પડતી તકલીફ જ્યારે સરકારના ધ્યાનમાં આવી ત્યારે તેણે NA પરમીશન આપવાનો અધિકાર સીધેસીધો કલેક્ટરને આપી દીધો. આ ઉપરાંત ULCની ફાજલ જમીનો ગરીબ અને મધ્યમવર્ગના લોકોના આવાસો બાંધવા માટે તેમને માલિકી હક્કો આપી દેવામાં આવ્યા. સરકારી નોકરીઓમાં પણ પારદર્શિતા સાથે ભરતી કરીને લગભગ દોઢ લાખ લોકોને રોજગારી આપવામાં આવી.

વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે તેમના વ્યાપારિક વ્યવહારો સરળ બનાવવા માટે પણ ગુજરાત સરકાર કાર્યશીલ છે. ગુજરાતના તમામ વ્યાપારી સંસ્થાનો ગ્રાહકોની તેમજ વ્યાપારીઓની સરળતા માટે 24 કલાક ખુલ્લા રાખવાનો ઐતિહાસિક નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાનીમાં લેવામાં આવ્યો હતો. પેટ્રોલ અને ડિઝલ પંપના પરવાનાઓ લેવામાંથી ગુજરાતની પ્રજાને મુક્ત કરવામાં આવી છે. ગુજરાતને અગામી વર્ષોમાં પ્રદુષણ મુક્ત કરવા માટે લગભગ 300 CNG પંપને પણ મંજૂરી આપવામાં આવી છે.

ભ્રષ્ટાચારને નાથવા માટે એન્ટી કરપ્શન બ્યુરોને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. બ્યુરોને આધુનિક ટેક્નોલોજી ધરાવતા ઉપકરણોથી સજ્જ કરીને તેને વધુ સત્તા પણ સોંપવામાં આવી છે. જેના થકી ગુજરાતની પ્રજાને ભ્રષ્ટાચારની બદીથી અને તેનાથી પડતી તકલીફથી દૂર રાખી શકાશે. આ ઉપરાંત ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવા માટે 1064 ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર પણ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન વડે છેલ્લા ત્રણ વર્ષમાં 250થી પણ વધુ કેસોને શોધીને તેના પર કામ ચલાવવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી જાતે રાજ્યના તમામ જીલ્લાઓ તેમજ તાલુકાઓના લોકોના પ્રશ્નો પર જાતે નજર રાખી શકે તે માટે 3000થી પણ વધુ ઈન્ડીકેટર્સ ધરાવતું એક અનોખું ડેશબોર્ડ પણ કાર્યરત કરવામાં આવ્યું છે. વહાલી દિકરી અને અન્નપુર્ણા યોજનાઓથી મહિલાઓનું સશક્તિકરણ કરવાના સફળ પ્રયાસો પણ આ સરકારે આદર્યા છે. આ  ઉપરાંત વિધવાઓ પ્રત્યે સંવેદનશીલ એવી સરકારે એક ઝાટકે આ પેન્શન મેળવવા માટેની તમામ શરતો નાબૂદ કરી દીધી અને પેન્શનની રકમ પણ અગાઉના રૂ.750થી વધારીને રૂ, 1250 પ્રતિ મહિનો કરી આપવામાં આવી છે.

ગુજરાતના યુવાનોને ભરપૂર રોજગારીનો લાભ મળતો રહે તે માટે પણ વિજય રૂપાણી અને નીતિન પટેલના સંવેદનશીલ નેતૃત્ત્વ હેઠળ ચાલતી સરકારે કેટલાક અભૂતપૂર્વ નિર્ણયો કર્યા છે. કેન્દ્ર સરકારની આર્થિકરીતે નબળા વર્ગના લોકો માટે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 10% અનામત લાગુ કરવાના નિર્ણયનો સહુથી પહેલો અમલ કરનારા રાજ્યોમાં ગુજરાત મોખરે છે. આ ઉપરાંત કિસાન સન્માન યોજનાને પણ ગુજરાતે દેશભરમાં સહુથી પહેલા અમલમાં મૂકીને અત્યારસુધીમાં લગભગ 29 લાખ કિસાનોને ફાયદો પહોંચાડ્યો છે.

છેલ્લા ત્રણ વર્ષોમાં ગુજરાત સરકારે ખેડૂતોને શૂન્ય વ્યાજદરે ધિરાણ આપ્યું છે. આ ઉપરાંત 8500 કરોડની કિંમતે ટેકાના ભાવે ખેતપેદાશોની ખરીદી પણ કરવામાં આવી છે. તો ગુજરાતના વિશાળ સાગરકાંઠાનો ઉપયોગ ગુજરાતની પાણીની સમસ્યા દૂર કરવા માટે કરીને ગુજરાત સરકારે નવ જેટલા ડિસેલિનેશન પ્લાન્ટ ઊભા કરીને દરિયાના ખારા પાણીને પીવા લાયક મીઠું બનાવી લોકોને પૂરું પાડવાનું એક અદભુત કાર્ય હાથ ધર્યું છે.

શિક્ષણક્ષેત્રે છ લાખથી પણ વધુ વિદ્યાર્થી યુવાનોને રૂ. 1000ની ટોકન કિંમતે ટેબ્લેટ આપવામાં આવ્યા છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા શાળા કક્ષાએજ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટ બોર્ડ સાથે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તો લર્નિંગ વિથ અર્નિંગના સૂત્ર સાથે આપણા રાજ્યની સરકારે 75,000 યુવાનોને એપ્રેન્ટિસ તાલીમ આપીને સ્વનિર્ભર બનાવવાનો સફળ પ્રયાસ પણ કર્યો છે.

રાજ્યની ગરીબ તેમજ મધ્યમવર્ગીય જનતાના હિતાર્થે પણ વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્ત્વ હેઠળ કેટલાક ખાસ નિર્ણયો લેવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે મા અમૃતમ અને મા વાત્સલ્યમાં આવક મર્યાદા જે અગાઉ બે લાખની હતી તેને વધારીને હવે ત્રણ લાખ કરી દેવામાં આવી છે તેમજ સિનીયર સિટીઝન્સ માટે તેને છ લાખ કરવામાં આવી છે જેથી મહત્તમ લોકો આ યોજનાઓનો લાભ લઇ શકે.

અકસ્માત થયા બાદ શરૂઆતના 48 કલાક અત્યંત મહત્ત્વના હોય છે અને આથીજ ગુજરાતની સંવેદનશીલ સરકારે લીધેલા એક નિર્ણય અનુસાર અકસ્માત બાદના પ્રથમ 48 કલાક દરમ્યાન રૂ. 50,000 સુધીની સારવાર નિશુલ્ક આપવાનો નિર્ણય કર્યો છે જે સરકારી અને બિનસરકારી એમ બંને પ્રકારની હોસ્પિટલોને લાગુ પડે છે.

લગ્નની જાન માટે ગુજરાત વાહનવ્યવહાર નિગમની બસોને રાહતદરે પૂરી પાડવાનો પણ સરકારે નિર્ણય લીધો છે. તો કરુણા અભિયાન દ્વારા અબોલ પશુપક્ષીઓને સારવાર આપવામાં આવે છે. સેવાસેતુ કાર્યક્રમ હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં 1.65 કરોડથી પણ વધુ લોકોને તેમને આવશ્યક એવા દસ્તાવેજોને તેમને આંગણે જઈને પૂરા પાડવામાં આવ્યા છે.

આજે વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્ત્વની સરકાર ત્રણ વર્ષ એટલેકે લગભગ 1100 દિવસ પૂર્ણ કરી રહી છે. આ 1100 દિવસમાં આ સરકાર કોઇપણ વિવાદમાં પડી નથી અને તે સંવેદનશીલ બનીને ગુજરાતના સાડા છ કરોડ નાગરીકો માટે દિવસ-રાત સતત કાર્ય કરી રહી છે અને ગુજરાતના લોકોને પણ આ ફાસ્ટટ્રેક સરકારથી અત્યંત સંતોષ છે.