Featured|દેશદેશ

અંકગણિતની આગળ કેમિસ્ટ્રી હોય છે: રાજકીય પંડિતોને મોદીના ચાબખા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં મતદારોનો આભાર માનવા માટે ગયા છે. અહીં તેઓએ આ બેઠક બીજી વખત જીત્યા બાદ વારાણસીના કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ઝૂકીને કાર્યકર્તાઓને વંદન કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વારાણસીથી માત્ર એક જ નરેન્દ્ર મોદી નહોતો લડી રહ્યો પરંતુ દરેક ઘરમાંથી એક એક નરેન્દ્ર મોદી લડી રહ્યો હતો.

વડાપ્રધાને આ પ્રસંગે કાર્યકર્તાઓને સંબોધન પણ કર્યું હતું. આ સંબોધનમાં તેમણે રાજકીય પંડિતોને આડે હાથે લીધા હતા. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના 2014, 2017 અને 2019ના પરિણામો જોઇને રાજકીય પંડિતો પોતાનું માથું ખંજવાળવા લાગ્યા છે. આ તમામ અંકગણિતનો સહારો લઈને પરિણામોની આગાહી કરી રહ્યા હતા. પરંતુ તેઓ ભૂલ્યા હતા કે અંકગણિતની આગળ પણ કેમિસ્ટ્રી હોય છે.

વડાપ્રધાને આ રીતે આડકતરી રીતે ચૂંટણીઓ અગાઉ મહાગઠબંધન થવાથી સપા અને બસપાના મત ભેગા થઇ જશે અને પરિણામે ભાજપને ઉત્તર પ્રદેશમાં ભારે નુકશાન થશે તેવી આગાહી કરનાર રાજકીય પંડિતો પર કટાક્ષ કર્યો હતો. વડાપ્રધાનના આ ઈશારામાં એ હકીકત પણ સામેલ હતી કે આ વખતે લોકોએ જ્ઞાતિ જાતિ કે ધર્મના ભેદભાવ વગર ભાજપને એકલે હાથે ભારે બહુમતિ આપી છે.