Featured|દેશદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે વિશ્વમાં સહુથી વધુ જનમત ધરાવતા રાષ્ટ્રાધ્યક્ષ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગઈકાલની જીત માત્ર અભૂતપૂર્વ જ નથી પરંતુ વિશ્વમાં સહુથી વિશાળ પણ છે. 2014માં જ્યારે વડાપ્રધાન મોદી મ્યાનમારમાં ASEAN સંમેલનમાં ગયા હતા ત્યારે તે સમયના અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વડાપ્રધાન મોદીની ઓળખાણ એમ કહીને આપી હતી કે, “આ માણસ પાસે આપણા બધાથી પણ સહુથી વિશાળ જનમત છે.” 2019માં તો તેનાથી પણ વધુ બહુમત નરેન્દ્ર મોદીને મળ્યો છે.

જો વૈશ્વિક ફલક પર નજર નાખીએ તો હાલમાં જ ઇઝરાયેલમાં નેતનયાહુ પણ બહુમતિથી ચૂંટણી જીતીને આવ્યા છે પરંતુ તેઓ એકલેહાથે સરકાર નથી બનાવી શક્યા, તેમણે સરકાર બનાવવા માટે ક્ષેત્રીય પાર્ટીઓનો સહકાર લેવો પડ્યો છે. તો વડાપ્રધાન મોદીના બીજા મિત્ર જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેને મળેલી બહુમતી અત્યંત પાતળી છે.

બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે અંગે આજે જ સમાચાર આવ્યા છે કે તેઓ બ્રેક્ઝીટના મામલે રાજીનામું આપવાના છે. તો ફ્રાંસના મેક્રોં અને જર્મનીના એન્જેલા મર્કેલ અત્યારે તકલીફનો અનુભવ કરી રહ્યા છે. તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ જ્યારે જીત્યા હતા ત્યારે તેમને મોટી બહુમતી મળી ન હતી. માત્ર ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ જ મોદી જેટલા મજબૂત રાષ્ટ્રાધ્યક્ષ છે, પરંતુ ચીન એ લોકશાહી દેશ નથી તે તેમના વિરુદ્ધમાં જાય છે.

આમ આવનારી વૈશ્વિક બેઠકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કદ અન્ય તમામ આગેવાનો કરતા વધુ હશે જેનું એકમાત્ર કારણ દેશના લોકોએ સ્પષ્ટ અને મજબૂત બહુમતીથી તેમને ફરીથી વડાપ્રધાન બનાવ્યા છે.